અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા તાલુકાના સેંજળધામમાં પૂ. ધ્યાનસ્વામી બાપાના આશ્રમ સેંજળ ધામ મુકામે તેઓના નામથી પ્રવાહિત એવોર્ડ ધ્યાનસ્વામીબાપા એવોર્ડ કે જે માનવસેવામાં રત દેહાણ્ય જગ્યાઓને અપાય છે, તેનો 11મો સમારોહ તારીખ 16 -2 -22 ના રોજ સેંજળધામ મુકામે સંપન્ન થયો હતો.
આ કાર્યક્રમમાં સંબોધન કરતાં પુ.મોરારીબાપુએ કહ્યું કે, આપણે છેલ્લાં 11 વર્ષથી જે ઉપક્રમ ચલાવીએ છીએ.તેનાથી સેવા અને સ્મરણના ધામો તરીકે દેહાણ્ય જગ્યાઓની વંદના કરીને હું મારી જાતને ગૌરવ મહેસુસ કરું છું. કારણકે તેઓ છેવાડાના માણસ સુધી અને પીડિત સુધી પહોંચીને અનેક પ્રકારના પ્રકલ્પો આ સ્થાનોમાં ચલાવી રહ્યાં છે.આજે જેમને એવોર્ડ અર્પણ થયો તેવી આણંદાબાવા આશ્રમ જામનગરની પ્રવૃત્તિઓથી અચંબિત થઈ જવાય છે કે તેમનું આ બધું કેવી રીતે સંચાલિત થતું હશે.એ જ રીતે પાળીયાદના ઠાકર પુ. વિસામણબાપુની જગ્યા પણ માનવસેવા અને ગૌસેવા દ્વારા અનેક લોકોની આંતરડીઓ ઠારવાનું કામ કરે છે. સાધુને દેહાણ્ય જગ્યાઓ સાથે યજ્ઞ આહુતિનો નાતો છે.હુ તો યજ્ઞની પરંપરામાં જોડાયો ત્યારથી રોજ સવારે યજ્ઞની એક આહુતી આ જગ્યાઓ માટે આપતો રહું છું. મોરારીબાપુએ સાધુ તરીકે પતંજલિના અષ્ટાંગ યોગમાં સાધુની ભૂમિકા સ્પષ્ટ કરી હતી અને યમ,નિયમ, આસન, પ્રત્યાહાર,પ્રાણાયામ ને ધારણા, ધ્યાન અને સમાધિ બધાની પોતાની વ્યક્તિગત રીતે સુંદર સમાયોજનથી વ્યાખ્યા કરી હતી.
આજના આ એવોર્ડ સમારોહમાં સને 2021નો 13મો એવોર્ડ શ્રી આણદાબાવા આશ્રમ ટ્રસ્ટ -જામનગરના મહંત પૂજ્ય દેવપ્રસાદદાસજી બાપુને અર્પણ કરવામાં આવ્યો હતો. સને 2022નો 14મો એવોર્ડ પાંચાળ ભૂમિની જગ્યા પાળીયાદના મહંત 1008 મહામંડલેશ્વર પુ. નિર્મળાબાને અર્પણ કરવામાં આવ્યો હતો. આ બંને જગ્યાઓમાં આજે પણ અન્નક્ષેત્ર સહિતની અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. કાર્યક્રમના પ્રારંભે સેંજળ ધામમાં અવિરત સેવારત રહેતાં અખેગઢ મંહત પૂ. વસંતદાસબાપુના નિવૉણને સ્મરીને બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ અપર્ણ થઈ. દાન મહારાજની જગ્યાના મહંત પુ. વલકુબાપુએ સાડા ત્રણસો વર્ષ પહેલાં જ્યારે લોકો અન્ન અને આવાસ માટે તડપતા હતાં. ત્યારે આ બધી જગ્યાએ ઉમદા સેવા કરીને એક નવો ચીલો ઉભો કરી માનવજાતને ઉગારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે,તેમ કહીએ તો પણ ખોટું નથી તેમ જણાવ્યું હતું.લાલજી મહારાજની જગ્યા સાયલાના મહંત પુ. શ્રી દુર્ગાદાસબાપુએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું
આ પ્રસંગે સૌરાષ્ટ્રની જગ્યાઓના મંહતો સર્વ પુ.શ્રી વિજયદાસબાપુ -સતાધાર પુ.રઘુરામદાસબાપુ -વિરપુર પુ.જગજીવનદાસબાપુ અને લીંબડીના પુ.લાલદાસબાપુ પણ ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગાયક, કવિ હરિશ્ચંદ્રભાઈ જોશીએ સંભાળ્યું હતું.આશ્રમ વ્યવસ્થા, સંકલનમાં તુલસીદાસજી હરિયાણીની સેવા પ્રાપ્ત થઈ હતી.કોરોના પરિસ્થિતિને ધ્યાને લઇ સમુહલગ્નનું આયોજન આશ્રમ પરિસરમાં મોકુફ રાખી સૌને પોતપોતાના ઘરે વ્યવસ્થા કરવા આશ્રમ ટ્રસ્ટે પોતાનું તુલસીપત્ર સૌને મોકલી આપ્યું હતું.કોરોના ગાઈડલાઈન મુજબ કાયૅક્મ માત્ર આમંત્રિતો પુરતો મર્યાદિત રાખવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.