તંત્ર નિંદ્રાઘીન:1173 લાભાર્થીઓ પ્રધાનમંત્રી આવાસની વાટમાં, મકાનો મંજુર તો થયા પરંતુ સર્વે માટે કોઇ ડોકાતું નથી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરીબ લાભાર્થીઓના પાલિકા કચેરીએ ધક્કા, અનેક અરજીઓ હજુ પેન્ડીંગ

સરકાર દ્વારા ગરીબ લોકોને ઘરનુ ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યરત કરવામા આવી છે. જો કે અમરેલી જિલ્લામા 1173 જેટલા લાભાર્થીઓ હજુ આવાસ યોજનાની રાહ જોઇને બેઠા છે. તંત્ર દ્વારા મકાન તો મંજુર કરી દેવાયા છે. પરંતુ સર્વે માટે કોઇ અધિકારી ડોકાતા ન ઓય પાછલા ઘણા સમયથી કામગીરી અટકી પડી છે. બાબરા અને બગસરામા તો કોરોના કાળ બાદ એટલે કે બે વર્ષ કરતા વધુ સમયથી લાભાર્થીઓ પાલિકા કચેરીએ ધક્કા ખાઇ રહ્યાં છે. પરંતુ હજુ સુધી તેઓ આવાસ યોજનાથી વંચિત જોવા મળી રહ્યાં છે. તો અનેક લાભાર્થીઓને હપ્તાની ચુકવણી પણ બાકી છે.

ઝુંપડપટ્ટીમા રહેતા તેમજ આર્થિક રીતે પછાત ઓય તેવા પરિવારને ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂપિયા 3.50 લાખની સહાય આપવામા આવે છે. પાલિકા શહેરી વિસ્તારમા રહેતા ગરીબ લોકો ઘરનુ ઘર ખરીદવા માંગતા ઓય છે તેને ધ્યાનમા રાખી કેટલીક રાહતો આપવામા આવે છે. અમરેલી પાલિકા વિસ્તારમા હાલ 308 આવાસની કામગીરી શરૂ છે. જયારે 143 પુર્ણ થઇ ગયા છે. જયારે 468 આવાસને મંજુરી અપાઇ છે જે પૈકી 155 અરજી સ્વૈચ્છિક રીતે અરજદાર દ્વારા રદ કરાઇ છે. પરંતુ જે કામો મંજુર થયા છે તેમા વિલંબ થઇ રહ્યો ઓય અરજદારોને મુશ્કેલી પડી રહી છે.

બાબરામા પણ 165 આવાસ મંજુર થયા છે પરંતુ વડી કચેરી ગાંધીનગર ખાતેથી કામગીરી આગળ ધપતી ન ઓય પાછલા કેટલાક સમયથી અરજદારો પાલિકા કચેરીએ ધક્કા ખાઇ રહ્યાં છે. અહી દોઢેક વર્ષ પહેલા 27 મકાનો મંજુર થયા હતા. જે પૈકી અનેક અરજદારોને હજુ સુધી હપ્તાની ચુકવણી પણ બાકી છે. અનેક અરજદારો ઝુંપડામા વસવાટ કરી રહ્યાં ઓય અને આવાસની કામગીરી આગળ ધપતી ન હેાય મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ લાઠીમા 186 મકાનો મંજુર થયા છે અને 106 કામો શરૂ છે. ઉપરાંત 63 કામ પુર્ણ થઇ ગયા છે. હજુ 17 લાભાર્થીઓને લાભ મળ્યો નથી.

રાજુલા પાલિકા વિસ્તારમા પણ 800 જેટલા આવાસ મંજુર થયા છે અને 200 આવાસ પુર્ણ થઇ ગયા છે. પરંતુ હજુ 600 આવાસ કોઇને કોઇ કારણોસર અટવાયેલા છે. દામનગરમા 225 આવાસ મંજુર થયા છે. અહી 45થી વધુ લાભાર્થીઓને હજુ લાભ મળ્યો નથી. તો બગસરામા પણ 124 જેટલા આવાસ મંજુર કરાયા છે. આવાસ યોજનાના કામો મંજુર તો કરી નાખવામા આવે છે પરંતુ કામગીરીમા વિલંબ થઇ રહ્યો ઓય અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી છે.

દામનગરમાં મકાનના રીપેરીંગ કે બીજા માળ માટે મંજુરી નથી અપાતી
દામનગરમા અનેક લાભાર્થીઓને મકાનો રીપેર કરવા અથવા બીજો માળ લેવા માટે મંજુરી આપવામા આવી નથી. અન્ય જિલ્લામા આવી મંજુરી અપાય છે. જેથી અરજદારોમા કચવાટ જોવા મળી રહ્યો છે.

ચલાલામાં 62 આવાસ હજુ શરૂ થયા નથી
ચલાલા પાલિકા વિસ્તારમા 467 આવાસ મંજુર થયા છે. જે પૈકી 125 પુર્ણ થઇ ગયા છે. તો 280 આવાસ પ્રગતિમા છે. અહી 62 આવાસ હજુ શરૂ થયા નથી અને 33 અરજીઓ પેન્ડીંગ પડી છે.

6 હપ્તામાં લાભાર્થીઓને સહાયની ચુકવણી થાય છે
આવાસ યોજના અંતર્ગત છ હપ્તામા લાભાર્થીઓને રકમ સીધી જ તેના બેંક ખાતામા જમા કરી દેવામા આવે છે. જેમા મકાનનો પાયો નાખતી વખતે, બીજો હપ્તો કામ 50 ટકા પુર્ણ થાય ત્યારે અને બાદમા 80 ટકા કામગીરી પુર્ણ થાય ત્યારે ચુકવવામા આવે છે. કામગીરી સંપુર્ણ પુર્ણ થઇ જાય ત્યારે અંતિમ હપ્તો ચુકવાય છે.

અન્ય સમાચારો પણ છે...