સુવિધા છીનવાઇ:2 મહિનાથી રસ્તો ખોદી અધૂરો મૂકી દેવાયો

લીલીયા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લીલીયાના મુખ્ય માર્ગ અમરેલી રોડ પર જાણે તળાવ ભરાયું : લોકોની વાહવાહી લેવાની લ્હાયમાં રસ્તાની હતી તે સુવિધા પણ છીનવાઇ

લીલીયા તાલુકો અમરેલી જિલ્લામા ખારાપાટનો પછાત તાલુકો છે. અહી ધંધા ઉદ્યોગનો તો કોઇ વિકાસ નથી પરંતુ સરકારના વિકાસ કામો પણ એવા અણઘડ હોય છે કે લોકો પાસે જેટલી હતી તેટલી સુવિધા પણ છીનવાઇ રહી છે. અગાઉ ભુગર્ભ ગટરમા આવુ બન્યુ હતુ અને હવે અહી શહેરનો મુખ્ય ગણાતો અમરેલી માર્ગ ખોદી નાખી કામ અધુરૂ મુકી દેવાયુ છે. જેના કારણે બે માસથી પ્રજા પારાવાર હાડમારી વેઠી રહી છે.

અહીની પ્રજાનો આક્રોશ છે કે આ રસ્તાનુ કામ ચાલુ કરવાનો અણઘડ નિર્ણય લીધો કોણે ?. સામાન્ય રીતે આવા કામ ભર ચોમાસે કરવામા આવતા નથી. છતા લીલીયામા અમરેલી માર્ગ નવો બનાવવાનુ કામ હાથ પર લેવાયુ. અને જુનો રોડ હતો તે સંપુર્ણ ખોદી નાખવામા આવ્યો. હદ તો એ વાતની છે કે આ મુખ્ય માર્ગ છે જયાં દરરોજ હજારો વાહનો અને એસટી પણ પસાર થાય છે. આ રોડ ખેાદી તો નાખવામા આવ્યો પરંતુ ત્યારબાદ કામ પડતુ મુકી દેવાયુ.

આ વાતને બે માસ વિતી ગયા છતા સરકારી બાબુઓને લીલીયાના લોકોને પડતી તકલીફ સામે જોવાની કોઇ ફુરસદ મળી નથી. આવુ તો કદાચ માત્ર લીલીયામા જ બની શકે. જો રોડનુ કામ આગળ ધપાવવુ ન હોય તો ખેાદી શા માટે નખાયો ?. બિસ્માર માર્ગ સરકાર સમયસર ન બનાવે તેવુ તો અનેક સ્થળે બને છે પરંતુ બિસ્માર માર્ગને નવો બનાવવા માટે જુનો રોડ ખોદી નખાય અને બાદમા નવો રોડ સમયસર ન બનાવાય તેવુ કદાચ આ વિસ્તારમા પ્રથમ વખત બન્યું છે.

લીલીયાની પ્રજાને કોઇપણ સુવિધા મેળવવા માટે મોટાભાગે આંદોલનનો માર્ગ અપનાવવો પડે છે. રસ્તો નવો બનાવવા માટે કોઇ આંદોલન કરે તો તે સમજી શકાય પરંતુ રસ્તાનુ કામ પુરુ કરવા માટે આંદોલન કરવુ પડે તે તંત્રની નિષ્ફળતા છે. અહી કદાચ આ દિવસો દુર નથી.

દુકાન પર ગ્રાહકો ખરીદી માટે આવી શકતા નથી : વેપારી
જેની દુકાન સામેનો માર્ગ ખોદી નખાયો છે તે વેપારી સાગર મકવાણાએ જણાવ્યું હતુ કે બે માસ પહેલા રસ્તેા ખોદી કામ બંધ કરી દીધુ છે. જેના કારણે લોકો મારી દુકાન સુધી ખરીદી કરવા આવી શકતા નથી. જેથી આર્થિક નુકશાની થઇ રહી છે.

વારંવાર સર્જાય છે અકસ્માત : અનીલભાઇ
સ્થાનિક રહિશ અનીલભાઇ વનરાએ જણાવ્યું હતુ કે રસ્તો ખોદાયા બાદ અહી કોઇ જવાબદાર અધિકારીઓ ડોકાયા પણ નથી. બાઇક જેવા વાહનો તારવીને ચલાવવા જતા પણ અકસ્માતો થઇ રહ્યાં છે.

અધિકારીઓએ કામ પુરૂ કરવાની ખાતરી આપી છે : ધોરાજીયા
સ્થાનિક જિલ્લા પંચાયતના સદસ્ય ભીખાભાઇ ધોરાજીયાએ જણાવ્યું હતુ કે બે માસથી અહી માર્ગનુ કામ અધુરૂ છે. જે પુરૂ કરવાની જવાબદાર વિભાગના અધિકારીઓને તાકિદ કરતા તેમણે કામ પુરૂ કરવાની ખાતરી આપી છે.

ધામેલમાં મંજુર થયેલ ચાર નાળાનું કામ શરૂ કરવા માંગ
દામનગર : દામનગર તાલુકાના ધામેલના પાદરમા આવેલ નાળાનુ કામ મંજુર થયા બાદ પણ શરૂ કરવામા આવતુ ન હોય લોકોમા રોષ જોવા મળી રહ્યો છે. અહી તુટેલા નાળામા સતત પાણી ભરાયેલા રહેતા હોય વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે. સરકાર દ્વારા ધામેલ નજીક નાળાનુ કામ મંજુર કરી દીધુ હોવા છતા કામ શરૂ કરાતુ ન હોય લોકોમા રોષ જોવા મળી રહ્યો છે. અહી બેઠો પુલ વર્ષોથી તુટેલી હાલતમા છે. અનેક વખત અહી નાળુ બનાવવા માટે લોકોને વાયદા અપાયા હતા. હાલ નાળુ મંજુર થયાને પણ દોઢ વર્ષ જેટલો સમય વિતી ગયો છે. જો કે તેમ છતા અહી નાળુ બનાવવાની કામગીરી હાથ ધરાતી નથી. અહી નાળામા મસમોટા ખાડા પડી ગયા છે. આ ઉપરાંત સતત પાણી ભરાયેલા રહેતા હોય અહીથી પસાર થતા વાહન ચાલકોને પણ અકસ્માતની ભીતિ સતાવી રહી છે. આ માર્ગ પરથી દામનગર, ગારીયાધાર, ભાલવાવ, પાલીતાણા, લાઠી, બોટાદ, તળાજા તરફ જતા આવતા ખાનગી વાહનો, એસ.ટી.બસ અને વિદ્યાર્થીઓને ખાસ દવાખાને લઈ જવાતી વખતે તુટેલા અને પાણી ભરેલા ખાડાને કારણે ભારે તકલીફ પડી રહી છે.આ પુલમાં ધામેલ ગામનું તળાવ જ્યારે ઓવરફલો થાય ત્યારે પાણી આવતું હોય વર્ષો જુની સમસ્યાનો અંત આવે અને તાકિદે નાળુ બનાવવાની કામગીરી શરૂ થાય તેવી લોકમાંગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...