જંગલી ભૂંડનો હુમલો:જીકાદ્રીમાં વૃદ્ધા પર ભૂંડે હુમલો કરી પતાવી દીધા

ખાંભા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધા વાડીમાં કામ કરતા હતાં ત્યારે અચાનક જ જંગલી ભૂંડે હુમલો કરી લોહીલુહાણ કરી દીધા

ખાંભા તાલુકાના બગોયા ગામના એક વૃદ્ધા જાફરાબાદના જીકાદ્રી ગામે ખેતમજૂરીનું કામ કરતા હોય આજે તેઓ વાડીમાં કામ કરી રહ્યા હતાં ત્યારે અચાનક એક ભૂંડે આવી તેમને અનેક બચકાં ભરી લોહીલુહાણ કરી નાખ્યા હતાં. જેને પગલે તેમનું સારવાર મળે તે પહેલા મોત થયું હતું.

અમરેલીમાં રેવન્યૂ વિસ્તારમાં વન્યપ્રાણીનો વસવાટ વધી રહ્યો છે સાથે સાથે હવે આતંક પણ વધ્યો છે. સીમમાં કામ કરતા લોકો પર વન્યપ્રાણીઓના હુમલાની ઘટનાઓ વધી રહી છે. જેના કારણે ખેડૂતો મજૂરોમાં ભયનો માહોલ ઊભો રહ્યો છે. આજે જાફરાબાદ તાલુકાના જીકાદ્રી ગામના હલુબેન મીઠાભાઈ ઝાખરા નામના મહિલા સીમ વિસ્તારમાં કામ કરી રહ્યા હતાં ત્યારે અચાનક એક જંગલી ભૂંડે આવી આ મહિલાને શરીર પર ચારે તરફ બચકાં ભરી ગંભીર હુમલો કર્યો હતો અને એમને લોહીલુહાણ કરી દીધા હતાં. આસપાસના લોકોએ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. ખાંભા હોસ્પિટલમાં પહોંચતા સુધીમાં મૃત્યુ નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જાફરાબાદ વનવિભાગની ટીમ જીકાદ્રી દોડી જઇ તપાસ શરૂ કરી છે. મહિલાનાં મોતથી પરિવારમાં શોક છવાયો હતો. મૃતક વૃદ્ધા ખાંભા તાલુકાના બગોયા ગામના રહેવાસી હતા અને મજૂરીકામ કરવા અર્થે જીકાદ્રી ગામ રહેવા ગયા હતાં.

સિંહ અને દીપડા બાદ હવે ભૂંડનો હુમલો
વન્યપ્રાણીનો આતંક રેવન્યૂ વિસ્તારમાં વધી રહ્યો છે. ગઈકાલે ધારીના મીઠાપુર ગામના એક માલધારી પર સિંહણે હુમલો કર્યો હતો. દિવસ પહેલા સાવરકુંડલાના જાબાળની 50 વર્ષીય મહિલાને દીપડાએ ફાડી ખાતા તેમનું મોત નીપજ્યું હતું. અગાઉ સાવરકુંડલાના આંબરડી અને રાજુલાના ધારેશ્વરના ખેડૂત ઉપર જંગલી ભૂંડે હુમલો કર્યો હતો.

સરકારમાં રજૂઆત પણ કોઇ પરિણામ નહીં
અમરેલી જિલ્લામાં કિસાન સંઘ સહિતના ખેડૂત સંગઠનોએ જંગલી ભૂંડના આતંકની અનેક રજૂઆત સરકારમાં કરી છે. કેમ કે ભૂંડ ખેડૂતોના પાકને નુકસાન કરી રહ્યા છે, હવે ખેતરોમાં કામ કરતા લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...