રજૂઆત:ઓફિસમાં બેસી નુકસાનીનો સર્વે કરાતા ખેડૂતો સહાયથી વંચિત રહેશે

ખાંભાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખાંભામાં વાવઝોડાને પગલે થયેલા નુકસાનનો સર્વે કરવા સીએમને રજૂઆત
  • જિલ્લા પંચાયતના સદસ્યની કમિટીની રચના કરી સર્વે કરવા માંગ

ખાંભા તાલુકામાં વાવાઝોડામાં ખેતીવાડીમાં થયેલ નુકશાનનો સર્વે ગ્રામ પંચાયત ઓફિસોમાં બેસી કરવામાં આવ્યો છે. જેના કારણે અનેક ખેડૂતોનો સર્વે થયો જ નથી. આવા ખેડૂતો સહાયથી વંચિત રહેશે. જિલ્લા પંચાયતના સદસ્યે ખાંભા તાલુકામાં કમિટીની રચના કરી ફરી સર્વે કરવા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય ઉપેન્દ્રભાઇ બોરીસાગરે મુખ્યમંત્રીને પત્રમાં જણાવ્યું હતું કે વાવાઝોડા દરમિયાન ખાંભા, રાજુલા અને જાફરાબાદ પંથકમાં ભારે નુકશાન પહોંચ્યું છે.

સરકારે જાહેર કરેલા પેકેજ માટે ગામડાઓમાં સર્વેની કામગીરી હાથ ધરાઇ હતી. પણ મોટા ભાગના ગામડાઓમાં ગ્રામ પંચાયતની ઓફીસ અને કોઈના ઘરે બેસીને સર્વે કરાયો છે. જેમાં માત્ર મળતિયાઓના જ નામ લખવામાં આવ્યા છે. 40 ટકા એવા લોકો છે કે નુકશાન થયું પણ સર્વે થયો નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વાવાઝોડામાં ખેતરના રસ્તા પર વૃક્ષો પડયા અને કીચડના કારણે સર્વે માટે પહોંચાયું નથી. ઘણા લોકોનો સર્વે થયો પણ તેમનું નુકશાનીમાં નામ નથી. એવા સમયે ખાંભા તાલુકામાં કમિટીની રચના કરી ફરી નુકશાનીનો સર્વે હાથ ધરવામાં આવે તેવી તેમણે મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...