ખાંભા તાલુકા પંચાયતમા શાસક ભારતીય જનતા પાર્ટીમા સતાની આંતરિક ખેંચતાણ હવે સપાટી પર આવી છે. અને અહી મળેલી સામાન્ય સભામા 16માથી માત્ર 2 સભ્ય જ હાજર રહેતા સભા રદ કરાઇ હતી. કારોબારીમા પણ કોઇ હાજર રહ્યું ન હતુ.ખાંભા તાલુકા પંચાયતમા સતાધારી પક્ષમા ટાંટીયાખેંચ ખુલીને સામે આવી છે. અહી ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે પરંતુ આંતરિક જુથવાદ ચરમસીમા પર છે. ચુંટાયેલા પ્રતિનિધીઓ અને તેના ટેકેદારોમા ભારે કચવાટ જોવા મળે છે. અહી ગઇકાલે તાલુકા પંચાયતની સામાન્ય સભા બોલાવવામા આવી હતી.
જો કે સામાન્ય સભામા ખુદ સતાધારી પક્ષના જ સભ્યો ગેરહાજર રહ્યાં હતા. અહી ભાજપ અને કોંગ્રેસના માત્ર એક-એક સભ્ય હાજર રહ્યાં હતા. જયારે બાકીના તમામ 14 સભ્યો ગેરહાજર હતા. લીલાબેન પલાસ અને અનીલભાઇ રંગાણીએ બેઠકમા હાજરી આપી હતી. પરંતુ અન્ય કોઇ સભ્ય ન દેખાતા અડધી કલાક સુધી રાહ જોઇ તાલુકા વિકાસ અધિકારી ઝેડ.કે.ઘોરીએ બેઠક મુલતવી રાખી દીધી હતી.
અહી સતાધારી પક્ષમા આંતરિક વિખવાદ એટલી હદે છે કે કારોબારી સમિતિની બેઠકમા પણ આ જ સ્થિતિ જોવા મળી હતી. અહી કારોબારી સમિતિમા 7 સભ્યો છે પરંતુ એકપણ સભ્ય હાજર રહ્યાં ન હતા. નવાઇની વાત એ છે કે અહીની સામાન્ય સભામા ખુદ તાલુકા પંચાયતના પ્રમુખ પણ ગેરહાજર રહ્યાં હતા. અહી આગામી દિવસોમા તાલુકા પંચાયતમા નવાજુનીના એંધાણ છે.
ભાજપના એક સભ્ય શા માટે હાજર રહ્યાં ?
તાલુકા પંચાયતમા સામાન્ય સભામા ભાજપના સદસ્ય અનીલભાઇ બાબુભાઇ રંગાણી એકમાત્ર હાજર રહ્યાં હતા. તેઓ અગાઉની બે સભામા ગેરહાજર રહ્યાં હોય ત્રીજી સભામા પણ ગેરહાજર રહે તો ગેરલાયક ઠરે તેમ હોય તેમણે હાજરી આપી હતી.
હવે નવી સામાન્ય સભા 10મી તારીખે મળશે
તમામ સભ્યોની અડધી કલાક સુધી રાહ જોયા બાદ ટીડીઓએ સભા મુલતવી રાખી હતી. અને હવે નવી સામાન્ય સભા આગામી તારીખ 10/1ના રોજ તે જ એજન્ડા સાથે બોલાવવામા આવી છે.
કોણ કોણ ગેરહાજર રહ્યું ?
સામાન્ય સભામા પાર્વતીબેન જાદવ, મંજુલાબેન સુદાણી, કંચનબેન મકવાણા, પ્રમુખ નિતાબેન તંતી, હમીરભાઇ ખાટરીયા, મનીષાબેન માલણકીયા, માલુબેન વાઘ, મંગુબેન બારૈયા, બેનાબેન ભમ્મર, ભોળાભાઇ મોભ, મુકતાબેન સરવૈયા, રાણુબેન ભુવા, મુકેશભાઇ માંગરોળીયા અને મગનભાઇ મકવાણા ગેરહાજર રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.