નવરાત્રીની ભવ્ય ઉજવણી:મહિલાઓએ સમુદ્રમાં નાની બોટો તરતી મૂકી દરિયાદેવને પરિવારનું રક્ષણ કરવા પ્રાર્થના કરી

જાફરાબાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાફરાબાદમાં ચૈત્ર માસમાં નવરાત્રી પર્વની ધામધુમથી ઉજવણી : પૂનમ પર શિકોતર માતાનો મેળો યોજાયો

જાફરાબાદમાં ખારવા સમાજની મહિલાઓ દ્વારા ચૈત્ર માસની એકમના દિવસથી જ નવરાત્રીની ભવ્ય ઉજવણી શરૂ કરી દેવાઈ હતી. અહી મહિલાઓએ જુની પરંપરા મુજબ માતાજીના રાસ લીધા હતા. દરિયાદેવનું પુજન કરી માછીમારોના રક્ષણ માટે પ્રાર્થના કરી હતી. આ પુજા દરમિયાન નાના બોટો દરિયામાં તરતી મુકવામાં આવી હતી.

નવરાત્રીની ઉજવણી દરમિયાન ખારવા સમાજના જુદા જુદા વિસ્તારમાં માતાજીની સ્થાપના કરવામાં આવે છે. દરરોજ રાત્રીના મહિલાઓએ જુની પરંપરા મુજબ માતાજીના રાસ લીધા હતા. ત્યાર બાદ અગિયારસના દિવસે જાફરાબાદમાં આવેલ વરૂડી માતાજીના મંદિરે તો બારસના દિવસે શીતળા માતાજીના મંદિરે મેળો યોજાય છે. ઉપરાંત ચૈત્ર માસની ચૌદસના દિવસે ખારવા સમાજના ઈષ્ટદેવ દરિયાદેવની પુજા કરવામાં આવે હતી.

અહી દરિયા કાંઠે મેળાનું આયોજન કરાય છે. જે મોટી બોટ દરિયામાં ફીશિંગ કરવા માટે ગઈ હોય તેવી જ આબેહૂબ નાની નાની બોટો બનાવી તેને શણગાર સાથે દરિયાદેવના ખોળે તરતી મુકી દેવાઈ હતી. મહિલાઓ પોતાના પતિ, પિતા, ભાઈ કે દીકરાની રક્ષા દરિયાદેવ કરે અને ધંધામાં બરકત આવે તેવી આરાધના કરી હતી. તેમજ ચૈત્રી પૂનમના દિવસે શિકોતર મંદિરે મેળો યોજાયો હતો. આ જ દિવસે હનુમાન જયંતિની ઉજવણી પણ કરવામાં આવી હતી. અહિ ખારવા સમાજ લોકોએ પ્રસાદ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...