ગીરાકાંઠાના ખેડૂતો પોતાના માલધોર માટે સિંહ- દીપડા જેવા હિંસક પ્રાણીઓ સાથે પણ બાથ ભીડી લેશે. ધારી તાલુકાના જળજીવડી ગામે ગઈ મધરાત્રે આવી જ એક ઘટના બની હતી. જ્યા દીપડો એક ખેડૂતના ઘરમાં ઘુસયો હતો. અને પાડીનું મારણ કરતો હતો. ત્યારે તેને ટપારતા દીપડાએ ખેડૂત પર હુમલો કરી દીધો હતો. જો કે ખેડૂતે બહાદુરીથી તેનો સામનો કર્યો હતો.
આ ઘટના ધારી તાલુકાના જળજીવડી ગામે ગઈ મધરાત્રે બની હતી. જ્યા ગૌતમભાઈ પ્રેમજીભાઈ ફીણવીયા નામના યુવાન પર દીપડાએ હુમલો કર્યો હતો. ગૌતમભાઈ ફીણવીયા રાત્રીના સમયે પોતાના બે વર્ષના પુત્ર સાથે ઓસરીમાં સુતા હતા. જ્યારે તેના પીતા પ્રેમજીભાઈ ઘરના ફળીયામાં ખુલ્લામાં સુતા હતા. મધરાત્રે એક દીપડો દિવાલ કુદીને અંદર પડ્યો હતો. અને સીધ્ધો જ ઢોરના ફરજામાં ગયો હતો. દીપડાએ અહી બાંધેલી પાડી પર હુમલો કર્યો હતો.
અવાજ થતા ફળીયામાં સુતેલા પ્રેમજીભાઈ જાગી ગયા હતા. અને ફરજામાં દીપડો પાડી પર હુમલો કરી રહ્યો હોય તેમણે હાંકલા પડકારા કર્યા હતા. જેને પગલે દીપડો સીધ્ધો જ ઓસરીમાં ધસી ગયો હતો. અહી સુતેલા ગૌતમભાઈ પર હુમલો કરી દીધો હતો. જો કે ગૌતમભાઈએ દીપડા સાથે બરાબરની બાથ ભીડી હતી. જેને પગલે તેને ઘાયલ કરી દીપડો ફરી ફરજામાં જઈને લપાઈ ગયો હતો.
ગૌતમભાઈને 108 એમ્બ્યુલન્સમાં પાયલોટ અશ્વીનભાઈ લહેરૂ અને ડો. ભરત ત્રીવેદીએ તેને સારવાર માટે ધારી દવાખાને ખસેડ્યો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતા વન વિભાગની રેશ્ક્યુ ટીમ અહી દોડી આવી હતી. અને ફરજામાં સુપાયેલા દીપડાને ત્રણ કલાકની લાંબી જહેમત બાદ પાંજરે પુર્યો હતો. આ ઘટના દરમિયાન ગામમાં ભારે અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો.
ગૌતમભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે હુ ઓસરીમાં સુતો હતો. ત્યારે અચાનક જ દિપડો કુદીને માથે પડ્યો હતો. મારા હાથથી પ્રહાર કરી મે તેની સાથે ઝપાઝપી કરી હતી. જેથી દિપડો ગભરાઈને ફરજા તરફ ભાગ્યો હતો.- ગૌતમભાઇ
ચાર વર્ષમાં દિપડાના હુમલાની 108 ઘટના
ગીર પૂર્વ વિસ્તારમાં દિપડાનો ભંયકર ત્રાસ છે. ચાર વર્ષમાં દિપડાએ 108 લોકોને ઘાયલ કર્યા છે. વર્ષ 18-19માં દિપડાના હુમલાની 30 ઘટના બની હતી. વર્ષ 19-20માં સૌથી વધુ 32 ઘટના, વર્ષ 20-21માં 25 ઘટના અને વર્ષ 21-22માં 21 ઘટના બની છે.
1 દીપડો ઠાર મરાયો : 13ને આજીવન કેદ
જે દિપડાએ માણસનો શિકાર કર્યો હોય તે દિપડાને વન તંત્ર દ્વારા આજીવન કેદમાં રાખવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષ દરમિયાન આવા 13 દિપડાને કેદમાં રખાયા છે. આ ઉપરાંત બગસરા પંથકમાં તો માનવ ભક્ષી બની ગયેલા દિપડાને ત્રણ વર્ષ પહેલા ગૌશાળા નજીક ઠાર મારવામાં આવ્યો હતો.
દિપડાએ ચાર વર્ષમાં 14 લોકોને ફાડી ખાધા
સિંહ કરતા દિપડાના હુમલામાં વધુ માણસોના મોત થઈ રહ્યા છે. ચાર વર્ષના સમયગાળામાં દિપડાના હુમલામાં કુલ 14 લોકોના મોત થઈ સુક્યા છે. વર્ષ 20-21માં સૌથી વધુ 5 લોકોના મોત થયા હતા.
દિપડાને બેભાન કરી પાંજરે પુરાયો
ધારીના ડિસીએફ રાજદિપસિંહ ઝાલાએ રેશ્ક્યુ ટીમને સુચના આપતા જ મધરાત્રે જળજીવડી પહોંચી હતી. અહી દિપડાને ઈન્જેક્શન આપી બેભાન બનાવી પાંજરે પુરવામાં આવ્યો હતો.>રાજદિસિંહ ઝાલા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.