કર્મચારીઓ હડતાલ પર:સાવજોની સુરક્ષા હવે એસઆરપીના હવાલે

ધારી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા વસતા અને ગીર જંગલના સાવજો હાલમા ભગવાન ભરોસે છે. કારણ કે એસી ચેમ્બરમા બેસતા અધિકારીઓ તો ફરજ પર છે પરંતુ ફિલ્ડમા કામ કરતા અને સાવજોની રક્ષાની મહત્વની જવાબદારી સંભાળતા કર્મચારીઓ હડતાલ પર છે. આ હડતાલ લાંબી ખેંચાતા આખરે વનતંત્રએ એસઆરપીની મદદ માંગી છે અને જંગલ તથા બહારના મહત્વના પોઇન્ટ પર હવે સાવજોની રક્ષા માટે એસઆરપીનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રાજયમા હાલમા જુદાજુદા સરકારી વિભાગના કર્મચારીઓ હડતાલનુ શસ્ત્ર ઉગામી રહ્યાં છે.

ત્યારે વનતંત્રના નીચલા તબક્કાના કર્મચારીઓએ પણ પોતાની વિવિધ માંગણીઓના સંદર્ભમા હડતાલનુ હથિયાર ઉગામ્યુ છે. ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલ જેવા કર્મચારીઓએ પોતાની જુદીજુદી માંગણીઓ સબબ હડતાલ પર ઉતરી જઇ કામગીરી ઠપ્પ કરી દીધી છે. થોડાક દિવસ સુધી તો અન્ય વન્ય કર્મચારીઓ અને અધિકારીઓએ ગાડુ ગબડાવ્યું પરંતુ હવે તંત્રને એસઆરપીની મદદ લેવાની ફરજ પડી છે.ધારી ગીરપુર્વ વનવિભાગ ઉપરાંત પાલિતાણા શેત્રુંજય ડિવીઝન સહિતની રેંજમા ઉપરથી મળેલી સુચના મુજબ ગઇકાલે જ ગોંડલથી એસઆરપીની વિશેષ ટુકડીઓને બંદોબસ્તમા મોકલી દેવામા આવી હતી.

એસઆરપીના આ જવાનો જંગલ અને બહારના વિસ્તારની વિવિધ ચેકપોસ્ટ, નાકાઓ અને કી પેાઇન્ટ પર ફરજમા મુકવામા આવ્યા છે. વનકર્મચારીઓ ફરજ પર નથી ત્યારે એસઆરપીના આ જવાનો તેમના સ્થાને ફરજ બજાવશે. હાલના તબક્કે એસઆરપીના આ જવાનોને આગામી 16મી તારીખ સુધી ડયુટી સોંપવામા આવી છે. જો વનકર્મચારીઓની હડતાલ લંબાશે તો તેમની ડયુટી વધુ લંબાઇ શકે છે. વનવિભાગ દ્વારા પોલીસને સંકલનમા રાખી આ કર્મચારીઓને ફરજના સ્થળે મોકલી દેવાયા છે.

માત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવશે
હડતાલ પર ગયેલા વનવિભાગના કર્મચારીઓ સાવજ અને અન્ય વન્ય પ્રાણીઓ તથા જંગલની રક્ષાની કામગીરી કરે છે. તેઓ સાવજ કે અન્ય પ્રાણીના રેસ્કયુ મીશનમા પણ દોડી જાય છે. જો કે એસઆરપીના જવાનો માત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોશે.

​​​​​​​ગીરપુર્વમાં 92 કર્મચારી હડતાલ પર
ગીરપુર્વ વનવિભાગમા ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલ સહિત કુલ 92 કર્મચારી હડતાલ પર છે. આવી જ રીતે પાલિતાણા શેત્રુંજય ડિવીઝન નીચે આવતા અમરેલી જિલ્લાના લીલીયા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા​​​​​​​​​​​​​​વિસ્તારના વનકર્મીઓ પણ હડતાલ પર છે.

એસઆરપીનું વેતન વનતંત્ર ચુકવશે​​​​​​​
ગોંડલથી અમરેલી જિલ્લાના જુદાજુદા વિસ્તારમા ફરજ પર મુકાયેલા એસઆરપીના જવાનોને વેતન વનતંત્ર દ્વારા ચુકવવામા આવશે. પોલીસ મહાનિર્દેશકની કચેરી તરફથી આ હુકમ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...