ગીર પૂર્વની પાણિયા રેન્જમાંથી ઝડપાયેલા એક ઘાયલ સિંહબાળને જડબામાં ઇજા હોય જૂનાગઢની વેટરનરી કોલેજના તબીબો દ્વારા આજે આ સિંહબાળના જડબાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ સિંહબાળને જડબામાં ફ્રેક્ચર થયું હતું. ગીર પૂર્વ ધારી ડિવિઝન નીચે આવતી પાણિયા રેન્જમાં થોડા દિવસ પહેલા ઘાયલ થયેલા આ સિંહબાળને રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને સારવાર માટે જસાધારના એનિમલ કેર સેન્ટરમાં મોકલાયું હતું.
જ્યાં તેને જડબામાં ફ્રેક્ચર હોવાનુ નિદાન થયું હતું. જેને પગલે સિંહબાળને જૂનાગઢની કામધેનુ યુનિવર્સિટી હસ્તકની વેટરનરી કોલેજમાં ખસેડાયું હતુ. અહીંના વેટરનરી ડો.વૈભવસિંહ ડોડિયા, ડો.હાર્દિક રોકડ, ડો.પીયૂષ માલવી તથા વેટરનરી કોલેજની ટીમ દ્વારા તેના જડબાનું ઓપરેશન કરાયું હતું. મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુ તથા ધારીના ડીએફઓ રાજદીપસિંહ ઝાલા અને કોલેજના ડીન ડો.પી.એચ.ટાંકે સફળ સર્જરી કરનાર ટીમને બિરદાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.