કામગીરી:ગીરમાં તૃણભક્ષી પ્રાણીની ચાર દિવસીય ગણતરી શરૂ

ધારી, અમરેલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરરોજ સવારે 6:30 કલાકે તૃણભક્ષી પ્રાણીની ગણતરી શરૂ થશે, ગીર સેન્ચ્યુરી, મિતીયાળા અને પાણીયા રેંજમાં તારીખ 8 અને 9ના રોજ આ ગણતરી કરવામાં આવશે

અમરેલી જિલ્લાના ગીરકાંઠા વિસ્તાર તથા જંગલમા વનતંત્ર દ્વારા તૃણભક્ષી પ્રાણીઓની વસતિ ગણતરીનો આજથી આરંભ કરવામા આવ્યો છે. ચાર દિવસ સુધી ચાલનારી આ ગણતરી બે તબક્કે થશે. વનકર્મીઓએ કરેલા નિરીક્ષણના આધારે વિવિધ પ્રકારના તૃણભક્ષી પ્રાણીઓની વસતિનો અંદાજ લગાવાશે.

આમ તો વનવિભાગ દ્વારા દર વર્ષે આ પ્રકારની ગણતરી કરવામા આવે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાની સ્થિતિના કારણે ગણતરી કરવામા આવી ન હતી. ઉનાળાના હાલના સમયમા જંગલ એકદમ પાંખુ હોય અને દુર સુધી જોઇ શકાતુ હોય વસતિ ગણતરી માટે આ સમય શ્રેષ્ઠ માનવામા આવે છે. જેને પગલે બે તબક્કામા ચાર દિવસ સુધી ચાલનારી ગણતરી આજથી શરૂ કરવામા આવી હતી.

અમરેલી પંથકના ગીર વિસ્તારમા ધારીના ડીસીએફ રાજદિપસિંહ ઝાલાના માર્ગદર્શન નીચે અહીના સ્ટાફ દ્વારા ગણતરી શરૂ કરવામા આવી છે. જેમા મોટી સંખ્યામા વનકર્મીઓને કામે લગાડવામા આવ્યા છે. ચાર દિવસ સુધી દરરોજ સવારે 6:30 કલાકે તૃણભક્ષી પ્રાણીની ગણતરી શરૂ થશે. ગીર સેન્ચ્યુરી, મિતીયાળા અને પાણીયા રેંજમા તારીખ 8 અને 9ના રોજ આ ગણતરી કરવામા આવશે.

વનવિભાગના સુત્રોએ જણાવ્યું હતુ કે સવારે 6:30 કલાકે જંગલના જુદાજુદા રૂટ પર સ્ટાફ દ્વારા ફેરણુ કરવામા આવશે. જે પ્રક્રિયા સાંજના 7:30 કલાક સુધી ચાલશે. અને ઘાસચારો ખાતા જેટલા પ્રાણીઓ નજરે પડશે તે તમામ પ્રાણીઓની પધ્ધતિસર નોંધ રાખવામા આવશે. આ માટે કર્મચારીઓને જરૂરી ફોર્મ ફાળવવામા આવ્યા છે. જેમા જુદાજુદા રૂટ પર દેખાયેલા પ્રાણીઓની નોંધ કરવામા આવશે.

સમગ્ર ગણતરી દરમિયાન દેખાયેલા પ્રાણીઓની નોંધ કરાયા બાદ અંતે જે તે પ્રાણીઓની વસતિ અંગે અંદાજ લગાવવામા આવશે. વનવિભાગ દ્વારા માત્ર સેન્ચ્યુરી વિસ્તારમા જ નહી પરંતુ વિડી વિસ્તારમા પણ પ્રાણીઓની ગણતરી થશે. અને વિડી વિસ્તારમા વાહનના બદલે કર્મચારીઓ ફુટ પેટ્રોલીંગ કરી ગણતરી કરશે.

અભ્યારણ્યમા સાવજોની સંખ્યા અને તેની સામે સાવજોનો શિકાર ગણાતા તૃણભક્ષી પ્રાણીઓની સંખ્યાના પ્રમાણ પર તંત્રની નજર જરૂરી છે. જો તૃણભક્ષી પ્રાણીઓની સંખ્યા વધતી રહેશે તો સાવજોને જંગલ છોડવા મજબુર થવુ નહી પડે.

કઇ કઇ વિડીમા થશે ગણતરી ?
તંત્ર દ્વારા બે દિવસ સુધી નાના લીલીયા, ભોરીંગડા, સરીયો, સાંઢીયો, વિક્રમ, ખંભાળા, રાંદલના દડવા, કાંગસા, હિરાવા, સમઢીયાળા, બેડીયા, ગીરગઢડા, રસુલપરા, ચિખલી, માખણીયા, આંબલીયાળા, દડલી, સરાકડીયા, રાયડી, પાટી, ઝાંઝરડા, કોદીયા, ગીદરડી, પીપળવા, ખડાધાર, નાની વડાલ, ભેકરા, ડેડકડી, ગાધકડા, હિપાવડલી, કેદારીયા, મઢડાથી લઇ જરખીયા સુધીની વિડીમા ગણતરી કરાશે.

કેવા કેવા પ્રાણીઓની ગણતરી થશે ?
વનતંત્ર દ્વારા ચાર દિવસીય આ ગણતરી દરમિયાન કાળીયાર, ચિંકારા, ચિતલ, સાબર, ચોસીંગા, નિલગાય વિગેરેની ગણતરી કરવામા આવશે. આ ઉપરાંત લંગુર પ્રજાતિના વાંદરાની ગણતરી થશે. તંત્ર જંગલી ભુંડની પણ ગણતરી કરશે.

કઇ રીતે બે તબક્કામાં ગણતરી ?
વનતંત્ર દ્વારા તારીખ 8 અને 9ના રોજ ગીરપુર્વમા સેન્ચ્યુરી ઉપરાંત મિતીયાળા અને પાણીયા રેંજમા ગણતરી થશે. તેમજ તારીખ 10 અને 11ના રોજ તુલસીશ્યામ, જસાધાર, દલખાણીયા, સરસીયા રેંજમા તથા વિડી વિસ્તારમા ગણતરી કરાશે.

ધારી ખાતે કર્મચારીઓને અપાઇ તાલીમ
બે વર્ષ સુધી ગણતરી મોકુફ રહ્યાં બાદ આ ગણતરી માટે ધારી ખાતે કર્મચારીઓને તાલીમ આપવામા આવી હતી. જેમા ધારીના ડીએફઓ રાજદિપસિંહ ઝાલા ઉપરાંત સાસણના ડીસીએફ મોહન રામ અને અન્ય અધિકારીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...