તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી:બગસરા નાગરિક બેંકની ચૂંટણી બની પ્રતિષ્ઠાનો જંગ

બગસરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

બગસરામાં નાગરિક બેંકની ચૂંટણી જાહેર થયા બાદ બેંકના ઇતિહાસમાં પ્રથમવાર 15 સીટ માટે 31 વ્યક્તિઓએ દાવેદારી નોંધાવતા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેવો માહોલ બંધાયો છે. આ ચૂંટણીમાં બગસરા નગરપાલિકાના બે પૂર્વ પ્રમુખો દ્વારા પોતાની પેનલ તૈયાર કરી ઝંપલાવતા શહેરનુ રાજકારણ ગરમાયુ છે.બગસરા નાગરિક બેંકની ચૂંટણી જાહેર થયા બાદ આગામી 5 સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે. આમ તો દર વખતે 15 સીટની સામે 18 કે 20 જેટલા ઉમેદવારોની દાવેદારી રહેતી હોય છે. પરંતુ આ વખતે બેંકના ઈતિહાસમાં પ્રથમવાર એકી સાથે 31 ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવવા માટે મેદાને ઉતર્યા છે.

જેમાં બગસરા નગરપાલિકાના બે પૂર્વ પ્રમુખો દ્વારા પોતાની પેનલ તૈયાર કરી છે. જ્યારે એક ઉમેદવારે સ્વતંત્ર ઉમેદવારી જાહેર કરેલ છે.બેંકને કબજે કરવા માટે બગસરા નગરપાલિકાના ભાજપ શાસનના પૂર્વ પ્રમુખ એ.વી. રીબડીયા તેમજ કોંગ્રેસ શાસનના પૂર્વ પ્રમુખ છગનભાઇ હિરાણી દ્વારા પોતપોતાના ઉમેદવારોને જીતાડવા માટે કમર કસી છે. બેંકના વર્ષો જુના ડિરેક્ટરોની આગેવાની છગનભાઇ હિરાણીઅે લીધી છે. જ્યારે એ.વી. રીબડીયાએ બેંકને નવું સુકાન આપવા માટેની તૈયારીઓ સાથે બંને પક્ષો દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેને લીધે બગસરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેવો માહોલ બંધાઈ રહ્યો છે. ઉમેદવારો દરેક મતદાનને ઘરે જઈને એક-એક મત માટે વિનંતી કરી રહ્યા છે. મતદારોનો મિજાજ કેવો રહેશે તે તાે પરિણામ નક્કી કરશે.

2 પૂર્વ પાલિકાના પ્રમુખની શાખ દાવ પર લાગી
બગસરા નાગરિક બેંકમાં કુલ 3500 મતદારો છે. જે પૈકીના ડિફોલ્ટરોને મતદાનની આ પ્રક્રિયામાંથી દૂર કરવામાં આવતા જ્ઞાતિ, વેપારી, તમામ સમીકરણો બદલાઈ ગયા છે. આ બદલાયેલા સમીકરણોનો નફો કોને મળે છે તે જોવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...