બગસરામા આવેલું 150 વર્ષ જુનુ સ્વામીનારાયણ મંદિર હવે દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામા આવ્યું છે. અહી નવુ મંદિર પણ બન્યું છે. પરંતુ અન્ય સ્થળોની જેમ જુનુ મંદિર ચાલુ રહે તેવી હરિભક્તોની લાગણી હતી પરંતુ મંદિર બંધ કરી દેવાતા આજે હરિભક્તોએ આ મુદે મામલતદારને રજુઆત કરી હતી અને આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.
બગસરામા આ સ્વામીનારાયણ મંદિર આઝાદી પહેલાના કાળમા બનેલુ છે. 150 વર્ષ પુર્વે જુનાગઢ સ્વામીનારાયણ મંદિરના મહંત ગુણાતિતાનંદ સ્વામીએ બગસરાના તે વખતના રાજવી હરસુર વાળા પાસેથી આ મંદિરના નિર્માણ માટે 800 ચો.મીટર જમીન દાનમા મેળવી હતી. જે તે સમયે સતવારા, કોળી, પટેલ, બ્રાહ્મણ સહિત વિવિધ જ્ઞાતિના લોકોએ એકઠા થઇ જુનાગઢ સ્વામીનારાયણ મંદિરના સહયોગથી બગસરામા આ મંદિરનુ નિર્માણ કરાવ્યું હતુ.
આ મંદિરના વહિવટ માટે ટ્રસ્ટ પણ બનાવવામા આવ્યું છે. અને તેમા ટ્રસ્ટી તરીકે ફકત ગૃહસ્થીની જ નિમણુંક કરવાની જોગવાઇ રાખવામા આવી હતી. આમ છતા અંદરખાને પાછળથી ટ્રસ્ટીઓ તરીકે સંતો અને પાર્શદોને ઉમેરી દેવામા આવ્યા હતા.
હરિભક્તોએ આ અંગે સ્થાનિક મામલતદારને આજે રજુઆત કરી જણાવ્યું હતુ કે ટ્રસ્ટીઓએ પોતાની મનમાની કરી મંદિરની મુર્તિ ખસેડી સિંહાસન તોડી નાખ્યું છે. અને આ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામા આવ્યું છે. આ વિસ્તારના લોકોની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે. આવેદન આપતા હરિભક્તોએ અંતમા એવી પણ ચિમકી ઉચ્ચારી હતી કે દર્શનાર્થીઓ માટે જો મંદિર ફરી ખુલ્લુ નહી મુકાય તો આંદોલનની પણ ચિમકી ઉચ્ચારી છે.
નવું મંદિર બનતા જૂનું મંદિર બંધ કરાયું છે : પ્રમુખ
બંગલી ચોક વિસ્તારમા આવેલા આ મંદિરનો વહિવટી સંભાળતા સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટના પ્રમુખ દલસુખભાઇ હિરપરાએ જણાવ્યું હતુ કે શહેરમા નવુ મંદિર બનાવાયુ છે. એટલે જુનુ મંદિર શરૂ રાખવાની જરૂર નથી. બે સ્થળે મંદિર શરૂ રાખવુ યોગ્ય નથી. જેથી આ જુનુ મંદિર હરિભક્તો માટે બંધ કરાયુ છે.
હાલ માત્ર 2 ગૃહસ્થી જ ટ્રસ્ટી તરીકે
સ્થાપના વખતે ટ્રસ્ટમા ફકત ગૃહસ્થીને જ ટ્રસ્ટી તરીકે નિમવાનુ નક્કી કરાયુ હતુ. બાદમા પાર્શદ અને સંતો પણ ઉમેરાયા. મોટાભાગના ટ્રસ્ટીઓની જગ્યા તેમના અવસાન થવાથી ખાલી રહી છે. હાલમા એક ત્યાગી અને બે ગૃહસ્થી ટ્રસ્ટી તરીકે ફરજ બજાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.