આજે અખાત્રીજના દિવસે વહેલી સવારે પવન કઇ બાજુથી વાય છે ? તે જાણવા અભ્યાસુઓ તથા ધરતીપુત્રો સૌ કોઈમાં ઈંતેજારી હતી જે વહેલી સવારના ત્રણ વાગ્યાથી છ વાગ્યા સુધી આથમણી તેમજ નૈઋત્ય દિશાના પવન વાતા વનરાજી ખીલી ઊઠે સાથે મધ્યમ ચોમાસાનો વર્તારો આપ્યો હતો. ધરતીપુત્રો માટે વર્ષોથી અખાત્રીજના પવનનું ખૂબ જ મહત્વ રહ્યું છે.
આ વર્ષે અખત્રીજની વહેલી સવારે 3 વાગ્યાથી સૌપ્રથમ પવન પશ્ચિમ તરફથી વાય ને પૂર્વ તરફ ગયો હતો. તેમજ સાથે સાથે નૈઋત્ય દિશામાંથી પણ ફણગીઓ જોડાતા ચોમાસાની શરૂઆત સામાન્ય કરતા મોડી અને સાર્વત્રિક રીતે ન થાય તેવી શક્યતા વર્તાઇ હતી. આથમણો પવન વાતા "વનરાજી ખીલી ઉઠે" અને નૈઋત્ય દિશાના પવનથી આગામી ચોમાસુ ગત વર્ષોના પ્રમાણમાં મધ્યમ રહે તેવો વરતારો થાય.
સાથે સાથે ક્યારેક દક્ષિણ દિશામાંથી પણ પવન શરૂ રહેતા ચોમાસા દરમિયાન કુવા અને બોરમાં પણ પાણી ઊંડા જાય,ખંડવૃષ્ટિ થાય તેવું પણ જાણકારો માની રહ્યા છે.શરૂઆતનું પ્રથમ ચૈત્રી દનૈયુપણ બગડેલું હતું.
તેમજ નૈઋત્ય તેમજ દક્ષિણ દિશાના પવનને કારણે સર્વત્ર વાવણી લાયક વરસાદને બદલે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સમયે વાવણી થવાની તેમજ છેતરામણા વરસાદને કારણે બિયારણ બગડવાની શક્યતા મનાઈ રહી છે.
બગસરાથી દર્શન ઠાકરના જણાવ્યા અનુસાર આ વર્ષે હોળીની જાળ તથા ચૈત્રી દનૈયા દરમિયાન તાપ તેમજ આજના અખાત્રીજના પવનના વરતારાને કારણે એકંદરે આવનાર ચોમાસું ગત બે વર્ષના ચોમાસાના પ્રમાણમાં મધ્યમ રહેવાની શક્યતા જાણકારો માની રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.