રકમ પરત કરવા માંગ:બગસરા સ્ટેટ બેંકની ધરાર વીમો આપવાની નીતિથી ગ્રાહકોમાં રોષ

બગસરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાેઇપણ મંજુરી વગર ખાતામાંથી રકમ કાપી લેતા ગ્રાહકે રકમ પરત કરવા માંગ કરી

બગસરામાં રહેતા સ્ટેટ બેંક વડીયાના ગ્રાહકના ખાતામાંથી અચાનક રકમ કપાત થતાં આ બાબતે બ્રાન્ચમાં તપાસ કરતા કોઈપણ મંજૂરી વગર ખાતામાંથી રકમ કાપી લીધા હોવાનું ધ્યાને આવતા ગ્રાહક બેંક વિરુદ્ધ રોષે ભરાયા હતા અને બેંકે રકમ પરત આપવાની બાંહેધરી આપી હતી.

પ્રાપ્ત વિગત મુજબ, બગસરા શિવનગર સોસાયટી વિસ્તારમાં રહેતા વિરજીભાઇ ગોંડલીયાના બેંક ખાતામાંથી 1180 જેટલી રકમ અચાનક કપાત થઇ હોવાનો મોબાઈલમાં મેસેજ આવ્યો હતો. અને સાથે સાથે એક વીમા પોલિસીની પીડીએફ ઈ-મેલ કરવામાં આવી હતી. જેમાં તેમનો વીમો બેંક દ્વારા લેવામાં આવ્યો હોવાની જાણ કરવામાં આવી હતી. જો કે વિરજીભાઇને બેંક દ્વારા અગાઉ આ બાબતે કંઈપણ જાણ કરેલ ના હોય બીજા દિવસે સ્ટેટ બેંકની વડીયા બ્રાંચમાં આ બાબતે પૂછવામાં આવતા ભાવનગર બ્રાન્ચ દ્વારા આ વિમાની રકમ કપાત થઇ હોવાનું જાણવા મળ્યું હતું.

આ બાબતે ગ્રાહક રોષે ભરાતા મેનેજર દ્વારા આ રકમ ખાતામાં પરત કરવા માટેની કાર્યવાહી શરૂ કરી થોડા દિવસોમાં ખાતામાં રકમ જમા કરવાની ખાતરી આપી હતી. જો કે આ ઘટના અનેક લોકો સાથે બનેલી હોય તેવી પણ શંકા સેવાઈ રહી છે. સ્ટેટ બેંક દ્વારા આવી રીતે ગ્રાહકની ઈચ્છા વિના ધરાર વીમો આપવાની નીતિથી ગ્રાહકોમાં રોષ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...