નિર્ણય:જૂની પરંપરા મુજબ બગસરામાં આ વર્ષે પણ ધોકો પાળવામાં નહીં આવે

બગસરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વેપારી સંસ્થા દ્વારા રવિવારે નવું વર્ષ ઊજવવા નિર્ણય કરાયો

ચાલુ વર્ષે બેસતા વર્ષ પૂર્વે એક દિવસનો ધોકો હોય જૂની પરંપરા મુજબ બગસરાના વેપારીઓ દ્વારા આ વર્ષે પણ ધોકો ન પાળવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર ચાલુ વર્ષે તારીખ 14ના રોજ દિવાળીની ઉજવણી બાદ બીજા દિવસે એટલે કે રવિવારે બપોર પછીથી બેસતુ વર્ષ શરૂ થાય છે. જેને લીધે લોકોને રવિવારે બેસતુ વર્ષ ઉજવવું કે સોમવારે તે બાબતે મુશ્કેલી અનુભવી રહ્યા હતા. તે સમયે બગસરાના વેપારી સંગઠનો જેવા કે ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મહામંડળ, પેસેન્જર્સ એસોસિએશન તેમજ કરિયાણા એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે નિર્ણય કરી બગસરામાં રવિવારે સવારે જ બેસતુ વર્ષ ઊજવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે બપોર પછી બગસરા શહેરના તમામ મંદિરોમાં અન્નકૂટને દર્શન ઉજવણી કરવાની હોય આ બાબતે પણ ધ્યાને લઇ વેપારી સંગઠનોએ તારીખ 15ને રવિવારે સવારે જ બેસતુ વર્ષ ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. સાથે સાથે પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે રાજ્ય સરકારની કોવિડ-19 ની માર્ગદર્શિકાનું પણ વેપારીઓ પાલન કરી, નવા વર્ષની ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી તહેવારોની ઉજવણી કરે તેઓ સંદેશ પણ પાઠવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...