પોલીસની તજવીજ:મહિલાને પિલર સાથે બાંધી મારમાર્યાની ઘટનામાં વધુ બે આરોપીને ઝડપી લેવાયા

બાબરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાબરાના ગળકોટડીની ઘટનામાં હજુ બે આરોપીને પકડવા પોલીસની તજવીજ

બાબરા તાલુકાના ગળકોટડી ગામે રહેતી એક મહિલાના પતિનુ અવસાન થયા બાદ તેણે અન્ય યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હોય તેનુ મનદુખ રાખી ચાર શખ્સોએ તેને પિલર સાથે બાંધી મારમારી માથાના વાળ કાપી નાખ્યાની ઘટનામા પોલીસે ગઇકાલે બે શખ્સોને ઝડપી લીધા બાદ આજે વધુ બે શખ્સોની ધરપકડ કરી હતી.

બાબરા તાલુકાના ગળકોટડી ગામે રહેતા ભાનુબેન કવાભાઇ સાઢમીયા (ઉ.વ.35) નામના મહિલાએ બાબરા પોલીસ મથકમા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમા તેણે જણાવ્યું હતુ કે તેના પતિનુ થોડા સમય પહેલા અવસાન થયુ હતુ. ત્યારબાદ તેણે અન્ય એક યુવક સાથે કોર્ટમા મેરેજ કર્યા હતા.

તે પોતાના છોકરાને લઇ ઘરે આવી ત્યારે ઘુઘાબેન હિરજીભાઇ ખટાણા, સોનલબેન વિજયભાઇ વાઘેલા, હિકા બાલાભાઇ ખટાણા અને ચકુબેન મુનાભાઇ ચારોલીયાએ તેને પિલર સાથે બાંધી લાકડી વડે મારમારી કાતરથી વાળ કાપી નાખ્યા હતા. આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે ગઇકાલે બે લોકોની ધરપકડ કરી હતી.

જયારે આજે પોલીસે દેવરાજ સવા વાઘેલા (ઉ.વ.20) તેમજ લાખુબેન બાલા ખટાણા (ઉ.વ.70) નામના શખ્સોને ઝડપી પાડયા હતા. આ ઘટનામા હજુ વધુ બે શખ્સોની સંડોવણી ખુલી હોય પોલીસે હિકા બાલા અને ચકુ મુના ચારોલીયાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.તસવીર-રાજુ બસીયા

અન્ય સમાચારો પણ છે...