આંદોલનની ચિમકી:બાબરા જનસેવા કેન્દ્ર ખાતે સર્વર ડાઉન, ખેડૂતોની કતારો

બાબરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7/12ના દાખલા સહિત કામગીરી ખોરવાતા ખેડૂતોમાં રોષ

બાબરામાં પાછલા એકાદ સપ્તાહથી જન સેવા કેન્દ્રમાં તાલુકાના ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. અહી ખેડૂતો 7/12 અને 8 અના દાખલાઓ મેળવવા સવારથી સાંજ સુધી મામલતદાર કચેરીઅે ઉભા રહેવુ પડી રહ્યું છે.

સરકાર દ્વારા નવી વેબસાઈટ અને સિસ્ટમ અપડેટ કરતા આખી કોમ્પ્યુટર સિસ્ટમનું સર્વર ડાઉન થઈ રહ્યું છે. હાલ મામલતદાર કચેરીમાં દરરોજ 150 થી 200 જેટલા ખેડૂતો જમીનના રેકર્ડ લેવા આવી રહ્યા છે. પણ સિસ્ટમ બરોબર ચાલતી ન હોવાથી ખેડૂતને ભૂખ્યા તરસ્યા કચેરીમાં બેસી રહેવાનો વારો આવી રહ્યો છે. હાલ પાક ધિરાણની મોસમ ચાલી રહી હોય ખેડૂતોને સમય મર્યાદામાં પોતાની જમીનના 7/12 અને 8અના ઉતારા તેમજ અન્ય નોંધ જેવી રેકોર્ડ કોમ્યુટરમાં ઓનલાઈન કાઢી બેંકમાં આપવાની હોય છે. ત્યારબાદ ખેડૂતોને પોતાનુ પાક ધિરાણ મળતું હોય છે.

જનસેવા કેન્દ્રમા પણ એક જ કોમ્પ્યુટર બારી હોવાના કારણે ખેડૂતોને કલાકો સુધી કતારોમા ઉભા રહેવુ પડે છે. ખેડૂતો આખો દિવસ પોતાના કામ ધંધા છોડી અહી આવે છે. પરંતુ સાંજ સુધી તેમના કામો થઇ શકતા નથી. જેના કારણે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

બાબરા તાલુકાના કોમ્પ્યુટર ઓપરેટર પ્રમુખ વિમલ અમરેલીયા દ્વારા જણાવ્યું હતું કે જનસેવા કેન્દ્રમાં જે ટ્રાફિક ખેડૂતોનો જોવા મળી રહ્યો છે તે ગામડાઓમાં કોમ્યુટર ઓપરેટરની હડતાળના કારણે છે. અને તેમાય પાછું સર્વર ડાઉન થાય છે.

કઇ કઇ કામગીરી અટકી પડી
ગ્રામ્ય વિસ્તારોમા વીસીઇની હડતાલને પગલે 7/12 ના દાખલા, આયુષ્યમાન કાર્ડ, રેશનકાર્ડ, વિધવા સહાય, ઇ શ્રમ યોજના, લાઇટબીલ, જન્મ મરણ નોંધણી, પંચાયત વેરો વિગેરે કામગીરી અટકી પડી છે. જેના કારણે અરજદારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પ્રશ્નનો ઉકેલ નહી આવે તો આંદોલન
બાબરા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ કૌશિકભાઈ ભરાડ દ્વારા વહીવટી તંત્રને ચીમકી આપી હતી કે મામલતદાર કચેરીમાં કોમ્યુટર સિસ્ટમના કારણે ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. ખેડૂતો અને સામાન્ય નાગરિકની મુશ્કેલીઓ દૂર કરો નહિતર લોકોને સાથે રાખી ઉગ્ર ઉપવાસ આંદોલન કરવાની ફરજ આમ આદમી પાર્ટીને પડશે.

મામલતદારને રજુઆત કરી છે: ભાનુભાઇ
બાબરા તાલુકા કિસાન સંઘના અગ્રણી ભાનુભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતુ કે ખેડૂતોને સાથે રાખી મામલતદારને રજુઆત કરી છે. જનસેવા કેન્દ્રમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ તાકિદે દુર કરવી જોઇએ.-પાનશેરિયા

​​​​​​​સરકારે ત્વરિત યોગ્ય નિર્ણય લેવો જોઇએ: પ્રભાતભાઇ
​​​​​​​જિલ્લા પંચાયતના સભ્ય અને વિરોધ પક્ષના નેતા પ્રભાતભાઈ કોઠીવાળ દ્વારા જણાવ્યું હતું કે કારમી ગરમીમાં ખેડૂત લાચાર બની રહ્યો છે. જમીન રેકોર્ડ મેળવવા આમતેમ ભટકી રહ્યો છે. જિલ્લાના વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા ત્વરિત યોગ્ય નિર્ણય ખેડૂતોના હિતમાં લેવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...