બાબરાના દેવળીયા પંથકમા ચાલી રહેલા પવનચક્કીના કામમા કોન્ટ્રાકટર જાણે વનતંત્રની ઐસીતૈસી કરી કામ કરી રહ્યાં હોય અગાઉ બે વખત દંડ ફટકારાયો હોવા છતા ત્રીજી વખત પણ વનતંત્રની જમીનમાથી વાહનો ચલાવાતા આજે ત્રીજી વખત સવા લાખનો દંડ ફટકારવામા આવ્યો હતો. દેવળીયા નજીક ચાલી રહેલુ પવનચક્કીનુ આ કામ પ્રથમથી જ વિવાદમા આવ્યું છે. અહી ફોરેસ્ટ વિભાગના અનામત જંગલના વૃક્ષો કાપી કોન્ટ્રાકટર દ્વારા રસ્તો બનાવી નખાયો હતો અને તે માર્ગે પવનચક્કીના પાંખડા લઇ જવાયા હતા. જેના પગલે વનતંત્રએ તેને બે વખત સવા લાખથી વધુનો દંડ ફટકાર્યો હતો.
પરંતુ પવનચક્કી બનાવતી કંપનીઓ તંત્રને પણ ગાંઠતી નથી. અને બે વખત દંડ છતા ત્રીજી વખત વનવિભાગની જગ્યામાથી જ પવનચક્કીના વાહનો ચલાવાયા હતા જેને પગલે આજે વનતંત્ર દ્વારા ત્રીજી વખત સવા લાખનો દંડ ફટકારવામા આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે પવનચક્કીના કામ માટે જ બાબરાના ચમારડીથી ધરાઇ વચ્ચે માર્ગની બંને બાજુના વૃક્ષોનુ પણ છેદન કરવામા આવ્યું હતુ. આ મુદે જો કે વનતંત્ર દ્વારા કોઇ પગલા લેવાયા નથી. બીજી તરફ દેવળીયાની સીમમા જે ગાડા માર્ગ હતો તેને આ વાહનો પસાર કરવા માટે જાણે નેશનલ હાઇવે હોય તેમ પહોળો બનાવી દેવાયો હતો જેની સામે ગામ લોકોએ પણ વિરોધ ઉઠાવ્યો છે અને ગઇકાલે પ્રકૃતિપ્રેમીઓએ આવેદન પણ આપ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.