ટોયલેટ એક વ્યથા:સાપુતારા નવાગામના 250 ઘર પૈકી 150 ઘરમાં શૌચાલયની સુવિધા જ નથી છતાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને એવોર્ડ

સાપુતારા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિકાસશીલ ગુજરાતનું એક ગામ નવાગામ કે જ્યાં વસતિના અડધા લોકોને શૌચાલયની વ્યવસ્થા નથી. - Divya Bhaskar
વિકાસશીલ ગુજરાતનું એક ગામ નવાગામ કે જ્યાં વસતિના અડધા લોકોને શૌચાલયની વ્યવસ્થા નથી.
  • 50 વર્ષથી સરકારી શૌચાલયનો ઇંતજાર, રહેવાનું ગુજરાતમાં અને શૌચક્રિયા માટે મહારાષ્ટ્રના જંગલમાં જવું પડે છે

રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારાના વિકાસમાં જમીન ગુમાવનારા વિસ્થાપિતોને છેલ્લા 50 વર્ષથી સરકારી યોજનાના શૌચાલયનો લાભ ન મળતા લોકો ડિજીટલ યુગમાં પણ શૌચક્રિયા કરવા જંગલમાં જવું પડતું હોય તો સરકારી તંત્રના નિર્મળ ગુજરાત અને સ્વચ્છ ભારત યોજનાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. ગુજરાત રાજ્યની હદમાં રહેતા નવાગામવાસીઓ શૌચક્રિયા કરવા મહારાષ્ટ્રના જંગલમાં જવું પડે છે. રાત્રિના સમયે જંગલી પ્રાણીઓના ભય સાથે બહેન-દીકરીઓની કફોડી સ્થિતિ સર્જાય છે.

ગુજરાત કી આંખો કા તારા સાપુતારાનું સૂત્ર દેશ-દુનિયામાં ગુંજતું કરનાર સદીનો મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા સાપુતારાનું ફૂલગુલાબી ચિત્ર પ્રવાસીઓને આકર્ષવા જાહેરાત કરવામાં આવી છે પરંતુ આ આંખો કા તારાના વિકાસમાં મહામૂલ્ય જમીન ગુમાવનારા આદિવાસીઓને વિસ્થાપનના 50 વર્ષ પૂર્ણ થવા છતાં પ્રાથમિક સુવિધાથી વંચિત રહેવું પડે તે કેટલું વ્યાજબી ગણાય. સાપુતારા નવાગામના 45 ખાતેદાર પરિવારના 250 વારસદારના ઘરમાં વિસ્થાપન થયાના 50 વર્ષે પણ ઘર-ઘર શૌચાલયોનો લાભ લાભાર્થીઓને ન મળતા આજના ડિજીટલ યુગમાં પણ નવાગામના લોકો પાષાણ યુગમાં રહેતા હોય તેવું પ્રતીતિ કરી રહ્યા છે.

એકબાજુ રાજ્ય-કેન્દ્ર સરકાર નિર્મળ ગુજરાત અને સ્વચ્છ ભારત સ્વચ્છતા અભિયાનની અનેક યોજના અમલમાં મુકવામાં આવી છે ત્યારે સાપુતારા નવાગામવાસીઓને 50 વર્ષે પણ લાભથી વંચિત રહી જાય તે કેવી વિડંબણા કહેવાય. દેશભરમાં ગુજરાત મોડલ લાગુ કરવાની મોટી જાહેરાતો કરતી ભાજપ સરકાર દ્વારા દીવા તળે અંધારું જેવો ઘાટ સર્જાયો છે. સને 2018માં કેન્દ્ર સરકારે ડાંગ જિલ્લાને નિર્મળ ગુજરાતનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, તો શું સાપુતારા નવાગામ ગુજરાત રાજ્યના નકશામાં નથી ? કે જ્યાં કુલ 250 ઘરની સામે 150 ઘરમાં શૌચાલયની વ્યવસ્થા જ નથી, તેમ છતાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને એવોર્ડ કેવી રીતે મળ્યો તે તપાસનો વિષય છે.

હાલમાં જ કોરોના મહામારી વચ્ચે 1 પરિવારના 14 સભ્યોને નવાગામ ખાતે હોમ ક્વોરન્ટાઈન તો કરાયાં હતા પરંતુ તેમના ઘરે શૌચાલય જ ન હોય તમામ સભ્યો શૌચક્રિયા કરવા બહાર જંગલમાં જતા ક્વોરન્ટાઇન નકામુ સાબિત થયું હતું. જોકે ત્યારબાદ તમામ રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રે હાશકારો અનુભવ્યો હતો. સાપુતારાને ગિરિમથકનો દરજ્જો મળ્યાને 5 દાયકા વિતી ગયા બાદ પણ તેમને પાયાની સુવિધાઓ માટે ઝઝૂમવું પડે તે કેટલે અંશે વ્યાજબી ગણાય ?

કોણ શું કહે છે

 સરકારી શૌચાલય યોજનાનો લાભ મળ્યો નથી : રામચંદ્રભાઈ હડસ, યુવા આગેવાન, નવાગામ  ગુજરાતની હદમાં જમવાનું ને મહારાષ્ટ્રની હદમાં શૌચક્રિયા કરવા જવાનું : અર્જુનભાઈ ગંગોડા, વડીલ આગેવાન, નવાગામ  ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ જવાબદારી નિભાવવી જોઈએ : બાબુરાવ ચૌર્યા, ભાજપા પ્રમુખ, ડાંગ જિલ્લા જિલ્લા-તાલુકાની યોજના મળી શકતી નથી : એસ.જે. તબિયાર, તાલુકા વિકાસ અધિકારી, આહવા

પાયાની સુવિધા ઝડપથી નહીં મળે તો આંદોલન છેડાશે

 ભાજપ આદિવાસી વિરોધી સરકાર છે, તે આદિવાસીઓની જમીન ઝુંટવી વિસ્થાપિત કરી પાયાની સુવિધાથી વંચિત રાખે છે. સાપુતારા નવાગામવાસીઓની જમીન હોટલોને આપી દઈ તેમને ગરીબીમાં ધકેલી દીધા છે. તંત્ર દ્વારા નવાગામવાસીઓને આવાસ, શૌચાલય, પીવાનુ પાણી જેવી સુવિધા જલદી પૂરી ન પાડે તો કોંગ્રેસ લોકડાઉન પત્યા બાદ જલદ આંદોલન કરશે. -  મોતીલાલ ચૌધરી, કોંગ્રેસી પ્રમુખ, ડાંગ જિલ્લા

નોટિફાઇડ એરિયા હોય જિલ્લા કક્ષાએ જ કામગીરી
 સાપુતારા નવાગામ નોટિફાઇડ એરિયામાં આવતું હોય અમારા જિલ્લા કક્ષાએ જ કામગીરી કરવાની થાય છે. જેથી નવાગામમાં અમારી સ્વચ્છતા અભિયાન હેઠળની યોજનાઓ અમલમાં આવી નથી. > વિપુલભાઈ, કો.ઓર્ડિનેટર, ગ્રામ વિકાસ એજન્સી સ્વચ્છતા અભિયાન, ડાંગ જિલ્લા

ઘર-પ્લોટ નામ પર ન હોય શૌચાલય યોજના મળી નથી
 સાપુતારા નવાગામના લોકોના ઘર, પ્લોટ નામ પર ન હોય હાલ અત્યારે ઘર-પ્લોટની કામગીરી ચાલી રહી છે. જેથી તેઓને સરકારી શૌચાલય યોજના મળી નથી, તેમ છતાં હાલ ટૂંક સમયમાં જાહેર શૌચાલય જેવી યોજનામાં શૌચાલય બનાવવાની કામગીરી હાથ ધરાશે. - એન.કે. ડામોર, કલેકટર, ડાંગ

અન્ય સમાચારો પણ છે...