દુર્ઘટના:ડાંગના શામગહાનમાં ઉભેલી કાર અને બાઈકને ઘસડી જઈ બેકાબૂ ટ્રક પલટી

આહવા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા આંતરરાજ્ય ઘોરીમાર્ગનાં શામગહાન ગામે બેકાબુ બનેલ ટ્રક પલટી મારી જતા અહીં માર્ગની સાઈડમાં ઉભેલી ઈકો વાન અને બાઈકને નુકસાન થવાની સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો.મહારાષ્ટ્રનાં વેજાપુર તરફથી મંગળવારે સવારે કપાસનો જથ્થો ભરી કડી મહેસાણા તરફ જઈ રહેલી ટ્રક (નં. જીજે-31-ટી-3011) સાપુતારાથી વઘઇને સાંકળતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં શામગહાન ગામમાં ટ્રક બેકાબુ બની હતી.

ટ્રક બેકાબૂ બનતા સ્થળ પર માર્ગની સાઈડમાં ઉભેલી સંજયભાઈ કાશીરામભાઈ જાદવ (રહે. શામગહાન)ની ઈકો વાન (નં જીજે-30-એ-2393) તથા મુંરબી ગામનાં ભાગવતભાઈ શિવાભાઈ બિરારીની બાઈક (નં. જીજે-30-બી-1207)ને દૂર સુધી ઘસડી લઈ જઈ આ વાહનો પર પલટી મારી ગઈ હતી. આ બનાવમાં ટ્રક સહિત ઈકો વાન તથા બાઈકને જંગી નુકસાન થયુ હતુ. આ બનાવમાં ટ્રકનાં ક્લીનરને નાનીમોટી ઈજા પહોંચતા ચમત્કારિક બચાવ થયો હતો.

જ્યારે અહી અકસ્માત વખતે ગામનાં આંતર રાજ્ય ધોરીમાર્ગમાં ઉભેલા લોકો તથા દુકાનોનાં માલિકો દોડીને સાઇટમાં ખસી જતા મોટી દુર્ઘટનામાં ટળી હતી. અહી શામગહાન ગામનાં માર્ગનાં સાઈડમાં ખીચોખીચ દુકાનોનાં દબાણોનાં પગલે માર્ગમાં સંકડાશ ઉભી થતા વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યાં છે. જેથી ડાંગ જિલ્લાનું સ્ટેટ માર્ગ મકાન તંત્ર આ બાબતે યોગ્ય માપણી કરી ઘટતી કાર્યવાહી હાથ ધરે તે જરૂરી બની ગયું છે. જો તંત્ર દ્વારા અહીં દબાણ ખસેડી નક્કર કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં મોટી દુર્ઘટના સર્જાવાની શકયતા રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...