રક્ષા કવચ:આ વર્ષે પ્રાકૃતિક વાંસમાંથી બનાવાયેલી રાખડી રક્ષાબંધન પર્વે ભાઈના હાથ પર જોવા મળશે

આહવા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડાંગની આદિવાસી બહેનોએ આત્મનિર્ભર બની સૌ પ્રથમવાર ઇકો ફ્રેન્ડલી રાખડી બનાવી

ડાંગ જિલ્લાની આદિવાસી બહેનોએ સૌ પ્રથમવાર આત્મનિર્ભરતાની એક મિશાલ સાથે પ્રાકૃતિક રાખડી બનાવી. ભાઈ-બહેનના પ્રેમનું પવિત્ર બંધન એટલે રક્ષાબંધન. રક્ષાબંધનના દિવસે બહેન તેના ભાઈને રાખડી બાંધી રક્ષાબંધનમાં જીવનભર ગાંઠ બાંધવાના પર્વને રક્ષાબંધન કહેવામાં આવે છે અને આ તહેવારના દિવસે દરેક બહેન પોતાના ભાઈના હાથે રાખડી બાંધી ઉજવતી હોય છે. ત્યારે ડાંગ જિલ્લાના આદિવાસી બહેનોએ આ વર્ષે અનોખી રાખડી એટલે કે પ્રાકૃતિક વાંસમાંથી બનાવેલી રાખડી પોતાના ભાઈના હાથ પર બાંધીને આ પવિત્ર રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરતી જોવા મળશે.

ભાઈ-બહેનનો પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બજારમાં રાખડીની રંગબેરંગી અને જુદી જુદી ડિઝાઈન ઉપલબ્ધ છે. પરંતુ આ વખતે ગુજરાતના છેવાડાના ડાંગ જિલ્લાની આદિવાસી બહેનોએ બનાવેલી પ્રાકૃતિક રાખડી પ્રશંસનીય છે. ડાંગ જિલ્લાની મહિલાઓએ પ્રથમ વખત ઈકો ફ્રેન્ડલી રાખડી બનાવી છે. ડાંગ જિલ્લાનો કોટવાળીયા સમાજ વાંસમાંથી ટોપલા ટોપલી બનાવતા હોય છે. એક ખાનગી સંસ્થા તેમને રોજગારીની નવી તકો પુરી પાડવા તેમજ આત્મનિર્ભર બનાવવા માટે આવી છે. તેમને હજારો રાખડીઓ બનાવવા માટેનાં ઓર્ડર આપ્યા છે.

આદિવાસી મહિલાઓ વાંસમાંથી એટલે કે, જંગલમાં મળતા વાંસમાંથી રાખડીઓ બનાવી રહી છે. વાંસમાંથી વિવિધ પ્રકારની રાખડી બનાવવાની મહિલાઓને તાલીમ પણ આપવામાં આવી છે. આ દિવસોમાં ડાંગ જિલ્લાની આદિવાસી મહિલાઓનું એક જૂથ અલગ અલગ પ્રકારની રાખડીઓ બનાવી દેશમાં મોકલી રહ્યુ છે. આ વાંસની રાખડીઓની કિંમત 50 થી 200 રૂપિયા રાખવામાં આવી છે. આ વર્ષે ડાંગની 4 જેટલી મહિલાઓ 5000 જેટલી રાખડી બનાવી દેશના વિવિધ શહેરોમાં મોકલી છે.

વાંસમાંથી રાખડી બનાવવાની ટ્રેનિંગ આપનાર અંકિત મલિકે જણાવ્યુ છે કે, ડાંગની આ મહિલાઓ વાંસ માંથી ટોપલી ટોપલા બનાવીને જે આવક મેળવે છે. એના કરતા વધારે આવક રાખડી બનાવી મેળવતી થઈ છે. આવનાર સમયમાં હજુ પણ ઘણી મહિલાઓ આ રાખડીના ઉત્પાદનનાં વ્યવસાયમાં જોડાઈને આત્મનિર્ભર બને તો નવાઈ નહીં. અગાઉ ડાંગ જિલ્લામાંથી નાગલી ધાન્યના પાપડ, બિસ્કિટ, ભૂંગળા તથા વાંસનાં અથાણાએ બજારમાં ધૂમ મચાવી હતી. હવે આવનાર સમયમાં ડાંગ જિલ્લામાં વાંસમાંથી બનાવેલ રાખડીની પ્રોડક્ટ નવલા નજરાણાની સાથે બજારોમાં ધૂમ મચાવશે.

અન્ય સમાચારો પણ છે...