તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિચિત્ર ઘટના:ડાંગમાં ચાલુ બસે માલેગાંવની મહિલા બારીમાંથી બહાર ફેંકાઈ ગઈ, મુસાફરો પણ અજાણ

આહવા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
બસમાંથી બહાર ફેંકાયેલી મહિલાની તસવીર - Divya Bhaskar
બસમાંથી બહાર ફેંકાયેલી મહિલાની તસવીર
  • મહારાષ્ટ્રથી સુરત જઇ રહેલી લકઝરી બસમાંથી ઉલટી કરવા જતાં બનેલો બનાવ
  • બસ છેક સુરત પહોંચી ત્યારે જાણ થઇ, સોશિયલ મીડિયામાં ફોટો વહેતો થતાં પરિજનો સાથે મિલન

ડાંગમાં ચાલુ બસે બારીમાંથી મહિલા ફેંકાઈ ગઈ હતી. આ મહિલા ફેંકાઈ જવાની ઘટનાની બસમાં કોઈને પણ જાણ થઈ ન હતી. ડાંગનાં સેવાભાવી લોકો દ્વારા મહિલાને 108 મારફતે આહવા સિવિલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. સોશિયલ મીડિયા પર ફોટો વહેતો થતાં મહિલાનાં પરિવારજનો દોડી આવ્યાં હતા.

ઉલટી કરવા મોં બહાર કાઢ્યું હતું
મહારાષ્ટ્રથી વાયા ચંચલી ગામ થઈ સુરત જઇ રહેલી લકઝરી બસમાં શનિવારે સવારના 3 વાગ્યે ચીંચલી ઘાટમાર્ગમાં લકઝરી બસમાં મુસાફરી કરી રહેલી માલેગાંવની રહીશ કૌસરબેન મુનાફભાઈ શેખને ઉલટી આવતાં તેઓ બારીમાંથી ઉલટી કરવા મોં બહાર કાઢ્યું હતું. બસ ઘાટમાર્ગમાં હોવાનાં કારણે તેણી અચાનક બારીમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. જોકે આ ઘટના અંગેની જાણ બસમાં બેસેલા મુસાફરો, કન્ડક્ટર તેમજ બસ ડ્રાઈવરને પણ થઈ નહતી.

સુરત પહોંચતા બસમાંથી માત્ર ચંપલ મળ્યા
બસ સુરત પહોંચી ગઈ જ્યાં મહિલાની જગ્યાએ ફક્ત તેના ચંપલ મળી આવ્યાં હતાં. આ જોઈ બસનાં તમામ લોકો અચરજમાં મુકાઈ ગયાં હતાં. મહિલા જે જગ્યાએ પડી ગઈ હતી તે જગ્યાએથી ડાંગના સેવાભાવી સામાજિક કાર્યકર નાંદનપેડા ગામના જાકીર શબ્બીર વાની, હાફેજી ગફુર વાની, ઉમર ફારૂક જાકીર વાનીએ મહિલાને 108 મારફત સારવાર અર્થે આહવા સિવિલમાં ખસેડી હતી.​​​​​​​ મહિલાને બસમાંથી નીચે પટકાતા સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તેને હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક સારવાર આપતા મહિલાએ રાહતનો શ્વાસ લીધો હતો.

ટૂંકી સારવાર બાદ મહિલાને ઘરે મોકલાઈ
ત્યારબાદ ઇજાગ્રસ્ત મહિલાનો ફોટો સોશિયલ મીડિયા પર વહેતો કરતા તેના પરિવારના સભ્યોને સમગ્ર ઘટનાની જાણ થઇ હતી અને તેઓ સારવાર લઇ રહેલ આહવા સિવિલ હોસ્પિટલમાં મહિલાને મળવા માટે તાત્કાલિક દોડી આવ્યાં હતા. મહિલાને ટૂંકી સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાં આવી પહોંચેલા ઇજાગ્રસ્તના દીકરા સાથે ભેટો કરાવી તેમના દીકરા સાથે મહિલાને મોકલી દેવામાં આવી હતી. મહિલાએ તમામનો આભાર વ્યકત કર્યો હતો.