કામગીરી:આહવામાં મુખ્ય માર્ગને નડતરરૂપ દબાણ દૂર કરાયું

આહવા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાનાં આહવા નગરમાં મુખ્યમાર્ગને અડીને આવેલ નડતરરૂપ દબાણ દૂર કરવામાં આવ્યું હતું.ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવાનાં મુખ્ય માર્ગને અડીને આવેલ ફૂટપાથ પર નાની-મોટી દુકાનોનો રાફડો ફાટી નીકળ્યો હતો. જેનાં પગલે રાહદારીઓ સહિત ટ્રાફિકની મોટી સમસ્યા ઉભી થઇ હતી. આહવા નગરમાં ગેરકાયદેસર દુકાનોનાં રાફડાનાં પગલે લોકોને ચાલવામાં પણ મુશ્કેલી પડતી હતી. આ બાબતની ઘણી ફરિયાદો પણ ઉઠી હતી.

આહવા ગ્રામ પંચાયતનાં સરપંચ હરિચંદભાઈ ભોયે અને ઉપસરપંચ હરિરામભાઈ સાવંતે તમામ દબાણકર્તાઓને સ્વેચ્છાએ દબાણ હટાવી લેવા જણાવ્યું હતું. આમ છતાં પણ આહવા નગરમાં દબાણકર્તાઓએ દબાણ હટાવ્યું ન હતું. જેથી સોમવારે આહવા નગરનાં ગ્રામ પંચાયતની ટીમે આહવા નગરમાં મુખ્યમાર્ગને અડીને આવેલા ફૂટપાથ પરનું દબાણ દૂર કરાતા નગરજનોએ રાહત મેળવી હતી. આ સાથે આહવા નગરનાં ફૂટપાથ પર ફરી દબાણ જણાશે તો દબાણકર્તાઓ સામે ગ્રામ પંચાયત દ્વારા કાયદેસરની કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારતા ફફડાટ મચી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...