આહવા જિલ્લા સેવા સદનના સભાખંડમા યોજાયેલી પ્રભારી મંત્રીની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમા મંત્રીએ કોરોના ની સંભવિત ત્રીજી લહેરને ઉગતી જ ડામી દેવાની સતર્કતા સાથે, ગ્રામ્ય કક્ષાએ સબ સેન્ટરો, અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કક્ષાએ જ, અસરકારક ટેસ્ટિંગ કરીને જરૂરિયાતમંદ દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવાની તકેદારી દાખવવાની સૂચના આપી હતી.
અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારના પ્રાથમિક લક્ષણો ધરાવતા પ્રજાજનોને જરૂર પડ્યે હોમ આઇસોલેશનમા રાખીને, જરૂરી સારવાર માટેની કીટ ઉપલબ્ધ કરાવી તેમની સુવ્યવસ્થા હાથ ધરવાની હિમાયત કરતા મંત્રીએ આરોગ્ય વિષયક મેન પાવર, સાધન સુવિધાની સમીક્ષા હાથ ધરી હતી. કોરોનાના કેર ને જોતા ઓનલાઇન શિક્ષણને વધુ અસરકારક બનાવવાની સૂચના આપતા મંત્રી નરેશભાઈ પટેલે અસરકારક સંદેશા વ્યવહારની પણ હિમાયત કરી હતી.
સ્થાનિક રોજગારીને પ્રાધાન્ય આપતા મનરેગાનુ સઘન આયોજન કરવાની સૂચના આપતા મંત્રીએ, આંતર રાજ્ય સરહદને અડીને આવેલા ડાંગ જિલ્લાના શ્રમિકોની, મહારાષ્ટ્ર રાજ્ય તરફની રોજિંદી અવરજવર વેળા અસરકારક ટેસ્ટિંગ, ચેકિંગની તકેદારી દાખવવાની પણ સૂચના આપી હતી. આહવા સહિત વઘઇ, સુબીર, સાપુતારા જેવા મોટા નગરોમા ટેસ્ટિંગ, અને વેક્સિન બુથ ઊભા કરીને પ્રજાજનોના ટેસ્ટિંગ, વેક્સિનની કામગીરીને વધુ તેજ બનાવવાની પણ તેમણે સૂચના આપી હતી.
તેમણે સિવિલ સહિત CHC, PHC, કક્ષાએ ઓક્સિજન પ્લાન્ટ, કન્સંનટ્રેશન મશીન, વેન્ટિલેટર, ઓક્સિજન બેડ, ઓક્સિજનની જમ્બો અને મીની બોટલો, દવાનો જથ્થો, આરોગ્ય કર્મચારીઓની સેવા બાબતે પણ પૃચ્છા કરી જાણકારી મેળવી ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
15થી 18 વયજૂથના 11878ને પ્રથમ રસી અપાઇ
આજની તારીખે ડાંગ જિલ્લામા 15 થી 18 વર્ષની વયજૂથના 24,633 લાભાર્થીના લક્ષ્યાંક સામે 11,878 લાભાર્થી (58 ટકા)ને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. જ્યારે 18થી ઉપરની વયજૂથના 1,90, 626ના લક્ષ્યાંક સામે 1,66,481 (87 ટકા) ને પ્રથમ અને 1,18,891ને હજાર (71 ટકા)ને બીજો ડોઝ આપી દેવાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.