આયોજન:ડાંગમાં મહાકાય ડેમો કોઇપણ સંજોગોમાં બનવા દઈશું નહીં

આહવા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય અનંત પટેલની સંઘર્ષ કરવા માટે હાંકલ

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ચીકાર(જામલાપાડા)ગામે ડાંગ બચાવો,જંગલ બચાવો અને ડેમ હટાવોનાં નારા સાથે વાંસદા ચીખલીનાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં મિટીંગ યોજવામાં આવી હતી. પાર-તાપી-નર્મદા રિવર લીંક પ્રોજેક્ટમાં સાત જેટલા મહાકાય ડેમો બનવા જઈ રહ્યા છે. જેમાં ત્રણ મહાકાય ડેમો ડાંગનાં વઘઇ તાલુકામાં પણ બનવા જઇ રહ્યાં છે. આ ડેમોનાં બનવાની વાત સામે આવતાની સાથે જ ઠેર ઠેર વિરોધનાં વંટોળ ઉઠી રહ્યાં છે. હાલમાં ડેમોનાં વિરોધમાં આદિવાસી સમાજનાં તમામ સંગઠનો અને વઘઇ તાલુકાનાં તમામ આગેવાનો સાથે ડુબાણમાં જતા ચીકાર ગામે મિટીંગ રાખવામાં આવી હતી.

જેમાં તમામ ગામનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વાંસદા-ચીખલીનાં ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે તાપી-પાર-નર્મદા લીંક રિવર પ્રોજેક્ટ અંતર્ગત આદિવાસી ગામો ડુબાણમાં જવાના છે તેમજ 50 હજારથી વધુ આદિવાસી લોકોને અસર થશે. ડાંગમાં બનનાર ડેમો માટે ડૂબાણમાં જતા જંગલો સહિત લોકોને બચાવવા માટે સંઘર્ષ કરીને પણ ડેમ બનવા દઈશું નહીં. આ પ્રસંગે ભરૂચથી આવેલા રાજ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસીઓનાં અસ્તિત્વનું નિકંદન કાઢવા આ સરકાર તત્પર બની છે. જેથી ડાંગને બીજુ કેવડિયા બનતુ અટકાવવા માટે આંદોલનો કરીશુ.

ડાંગ જિલ્લાનાં આદિવાસી આગેવાન મુકેશ પટેલે જણાવ્યું હતું કે આપણા જળ-જંગલ-જમીન બચાવવા માટે સંગઠિત બનીને આ લડત ચલાવવી પડશે. આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી, ગમન ભોયે, સૂર્યકાન્ત ગાવિત, સુનિલભાઈ, ચિરાગભાઈ, તુષાર કામડી, રાકેશ પવાર, શંકરભાઈ સહિત મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...