આદિવાસીઓની સંસ્કૃતિનો દિન:દરેક આદિવાસી સમાજની બોલી, રહેણીકરણી, પરંપરા, રહેઠાણ પહેરવેશ જુદાજુદા જોવા મળે છે

આહવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ.આ દિવસે સમગ્ર વિશ્વમાં આદિવાસી સમાજ અલગ અલગ રીતની ઉજવણી કરે છે. ગુજરાતમાં પણ 15 ટકા વસ્તી આદિવાસીઓની છે.આશરે 1 કરોડ વસ્તી ધરાવતા આદિવાસીઓનાં જુદા જુદા સમુદાય આવેલા છે. પરંતુ દરેક સમુદાય મૂળ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. આદિવાસીઓને પ્રકૃતિ પૂજક સમાજ ગણવામાં આવે છે. દરેક આદિવાસી સમાજની બોલી, રહેણીકરણી, પરંપરા, રહેઠાણ પહેરવેશ જુદા જુદા જોવા મળે છે. અંબાજીથી લઈને ઉમરગામ અને છેવાડેનાં ડાંગ સુધી આદિવાસીઓની વસ્તી આવેલી છે. જેમા ડાંગ જિલ્લાનાં આદિવાસીઓ સૌથી જુદા પડે છે.

ગુજરાતમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ડાંગ જિલ્લામાં આવેલી છે.અહી 98 ટકા આદિવાસીઓ વસવાટ કરે છે. ડાંગનાં આદિવાસીઓની બોલી મરાઠી અને ગુજરાતી ભાષાની મિક્સ બોલી કહેવાય છે. જેને ડાંગી ભાષા તરીકે ઓળખવામાં આવે છે. ડાંગ જિલ્લાનાં આદિવાસીઓ પ્રાચીનકાળથી પ્રકૃતિ પૂજક છે. તેઓ વર્ષોથી પ્રકૃતિ ઉપર નિર્ભર રહેતા આવ્યા છે. ડાંગી માનવી પ્રકૃતિ સાથે રહી પ્રકૃતિની પૂજા કરે છે.જંગલ અને પહાડી વિસ્તારમાં રહેતા આદીવાસીઓ હવે મુખ્યધારા સાથે સંકળાયેલા છે. તેઓનો રહેઠાણ અને પહેરવેશ આજદિન સુધી બદલાયેલો નથી. સાથે તેઓની વર્ષો જૂની સંસ્કૃતિ આજે પણ જળવાઈ રહી છે.

આદિવાસીઓનાં વર્ષમાં અનેક તહેવારો ઉજવાય છે અને પ્રસંગોપાત તેઓ પોતાના સંગીત વાદ્યો અને નાચગાન કરતા રહે છે. ડાંગનાં આદિવાસીઓનું ડાંગી નાચ ખૂબ જ પ્રખ્યાત છે. આ ઉપરાંત ઠાકર્યા નાચ, પાવરી નાચ, કાહલ્યા નૃત્ય વગેરે આ દરેક નૃત્ય કે કથામાં તેઓ પોતાના જાતે બનાવેલાં સંગીત વાદ્યોનો ઉપયોગ કરે છે. જેમા થાળી વાદ્ય પણ ખુજ પ્રખ્યાત છે. જે શુભ અને અશુભ બન્ને પ્રસંગે વગાડવામાં આવે છે. લહાનબરડાં ગામનાં થાળી વાધક શિવાભાઈ લહરે જણાવે છે કે તેઓનાં બાપ દાદાથી ચાલી આવેલ પરંપરાને તેઓએ જાળવી રાખી છે અને આદિવાસીઓનાં પ્રસંગોપાત થાળી વાદ્ય વગાડવું જ પડે છે. સાથે ડાંગનું પાવરી વાદ્ય પણ આજે દેશવિદેશમાં જાણીતી બન્યુ છે.

વડાપ્રધાન નરેન્દ્રમોદીને પણ આ વાદ્ય ખુબજ પસંદ છે, તેઓ ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી હતા તે સમયે ડાંગથી બહારનાં જિલ્લાઓમાં તેઓએ ડાંગી નૃત્ય અને પવારી વાદ્યને પ્રોત્સાહન આપ્યુ અને આજે દેશમાં આવતા આંતરરાષ્ટ્રીય મહેમાનોનાં સ્વાગત માટે ખાસ ડાંગી નૃત્યનું આયોજન કરવામાં આવે છે. જંગલમાં વસવાટ કરનાર આદિવાસી જંગલનાં પ્રાણીઓની પણ પુજા કરતા હોય છે. જંગલ ઉપર નિર્ભર રહેનાર આદિવાસીનાં ઘર જંગલની વસ્તુઓમાંથી જ બનેલા હોય છે. વાંસ, સાગી લાકડા માટીનું લીપણ કરી તેઓ પોતાના ઘર બનાવે છે.

સ્થાનિક આદિવાસી રેશમબેન ભાસ્કરભાઈ નિકુળ્યા જણાવે છે કે તેઓ વર્ષોથી કાચા મકાનમાં રહેતા આવ્યા છે. માટી અને છાણથી લીપણ કરેલા ઘરમાં રહેવાનું તેઓને પસંદ છે. સાથે જ જૂની પરંપરાને તેઓ વળગી રહ્યા છે અને તે પરંપરા જ તેઓને પસંદ છે. તેઓનાં ખોરાક નાગલી અને અડદની દાળ છે.તેઓ લોટ પણ હાથ વડે દળી શકાય તેવી ઘરઘંટીમાં દળે છે.

આદિવાસીઓ જંગલની પેદાશો ઉપર નભે છે. અહીંના સ્થાનિક લોકો જંગલમાંથી મળતી પેદાસ ઉપર નભે છે. અને જંગલમાંથી જ તેઓ રોજગારી મેળવે છે. પોતાના જરૂરિયાતની વસ્તુઓ તેઓ જાતે જ બનાવતા હોય છે ડાંગ જિલ્લામાં હોળી પછી ડાંગ દરબારએ મુખ્ય તહેવાર માનવામાં આવે છે. જેની લોકો આતુરતાથી રાહ જોએ છે. ખરેખર આદિવાસી સમુદાયના ડાંગીજનોને પરંપરાગત અનોખી છે.

અન્ય સમાચારો પણ છે...