ડાંગ જિલ્લો એટલે રામાયણકાળમાં જે પ્રદેશ દંડકારણ્ય તરીકે ઓળખાતો હતો એ જ પ્રદેશ. ડાંગ જિલ્લાના આદિવાસીઓની પરાપૂર્વથી એવી દૃઢ આસ્થા છે કે ભગવાન રામ વનવાસ દરમિયાન પંચવટી તરફ ગયા ત્યારે તેઓ ડાંગના પ્રદેશમાંથી પસાર થયા હતા.
રામભક્ત હનુમાનજીનો જન્મ પણ ડાંગના અંજની પર્વતમાં આવેલી અંજની ગુફામાં થયો હતો. પ્રાચીનકાળથી ડાંગની પ્રજા આહવાથી 30 કિ.મી.નાં અંતરે આવેલ અંજની પર્વત, અંજની ગુફા અને અંજની કૂંડને હનુમાન જન્મભૂમિ તરીકે માનતા આવ્યા છે. અહીં હનુમાનજીએ શનિદેવને વશ કર્યા હતા. લોકો દૃઢપણે માને છે કે અંજની માતાએ અંજની પર્વત ઉપર તપ કર્યું હતું. અંજની માતાના તપની ફળશ્રુતિરૂપે તેમણે અંજની પર્વતની વચ્ચોવચ આવેલી અંજની ગુફામાં હનુમાનજીને જન્મ આપ્યો હતો.
અંજની ગુફાની લગોલગ આવેલા અંજની કૂંડમાં બાળ હનુમાને સ્નાન કરી કૂદકો મારી અંજની પર્વત ઉપર ચઢીને સૂર્યને ગ્રહણ લગાડ્યું હતું. આ ભૂમિ ઉપર જ હનુમાનજીએ શનિદેવને વશમાં કર્યા હતા. અંજની પર્વતની તળેટીમાં અંજનકુંડ ગામ વસ્યું છે. અંજની પર્વત ઉપર આજેપણ અનેક પ્રકારની દુર્લભ વનસ્પતિનો ભંડાર જોવા મળે છે. સ્થાનિક લોકો અહીં આવેલા હનુમાનજી અને અંજની માતા મંદિરમાં વર્ષોથી હનુમાન જયંતીના દિવસે લોકો દર વર્ષે આસ્થા ભક્તિભાવ સાથે હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી કરે છે.
પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્થળ
હનુમાનજીના જન્મ સ્થળ અંજની કુંડ ગામથી 1 કિ.મી.ના અંતરે 300 ફૂટ ઊંચા ડુંગર પરથી વહેતો ધોધ ચોમાસામાં પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. આ ધોધમાં ભીંજાવાનો લાહવો લેવા માટે પ્રવાસીઓ અંજનકુંડ ગામથી જંગલના રસ્તે 1 કિલોમીટર ચાલીને પહોંચી શકે છે.
ગામના યુવાનો સેવા આપે છે
અંજની માતા અને હનુમાનજી મંદિરમાં દર વર્ષે હનુમાન જયંતીની ઉજવણી કરાય છે. ગામના લોકો આ પ્રસંગમાં અચૂક હાજરી આપે છે. ભાવિ ભક્તોને અગવડ નહીં પડે તે માટે ગામના યુવાનો સેવા આપે છે. - સુમનભાઈ સૂર્યવંશી, સરપંચ, લિંગા ગામ
અંજન કુંડ અને અંજની માતા ગુફા સુધીનો રસ્તો બન્યો નથી
અહીં પ્રાથમિક સુવિધા પીવાનું પાણી, શૌચાલય, બાથરૂમ, લાઈટની વ્યવસ્થા નથી. બસ માર્ગે આવતા પ્રવાસીઓ માટે આહવાથી અંજની કુંડ સુધી બસની વર્ષોથી માંગણી કરાઈ છે તે હજુ સુધી પુરી થઈ નથી. અંજન કુંડ તથા અંજની માતા ગુફા સુધીનો રસ્તો બન્યો નથી. રસ્તો નહીં બનતા ગુફા સુધી જવા માટે પ્રવાસીઓએ ભારે તકલીફનો સામનો કરવો પડે છે.- જાનુભાઈ પવાર, પ્રવાસ સમિતિ સહકારી મંડળી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.