નિર્ણય:ડાંગમાં 100 ટકા વેક્સિનેશન માટે તંત્ર પ્રતિબદ્ધ, ટીમ નિમાઇ

આહવા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્પેશિયલ વેક્સિનેશન ડ્રાઇવ સફળ બનાવો : કલેકટર

ડાંગ જિલ્લાને ‘કોરોના મુક્ત’ કરવા સાથે પ્રજાજનોને કોરોના સામે રક્ષિત કરવા માટે ચાલી રહેલી ‘સ્પેશિયલ વેક્સિનેશન ડ્રાઇવ’ અંગેની એક અગત્યની બેઠકને સંબોધતા ડાંગ કલેકટર ભાવિન પંડ્યાએ વેક્સિનેશન બાબતે માઈક્રો પ્લાન બનાવી જનપ્રતિનિધિઓની ભાગીદારી સાથે 100 ટકા વેક્સિનેશન થાય તેવા પ્રયાસોની હિમાયત કરી છે.

તાજેતરમા જિલ્લા સેવા સદનમાં યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકને સંબોધતા કલેકટરે જિલ્લામાં ઉપલબ્ધ વેક્સિનના જથ્થાની સમીક્ષા કરી, જિલ્લામા પૂરતો જથ્થો જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાની પણ સૂચના આપી હતી. 20 થી 31 મે દરમિયાન જિલ્લામા દરરોજ ચાર સ્થળે ‘વેક્સિનેશન ડ્રાઇવ’ યોજાઇ રહી છે. જેમાં સ્થાનિક પદાધિકારીઓ, ગ્રામીણ કર્મચારીઓ, તથા આરોગ્યકર્મીઓના સુચારૂ સંકલન સાથે અસરકારક કામગીરી કરવાની સૂચના આપતા કલેકટરે આ માટે જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે એક-એક PHC લાયઝન અધિકારીઓની નિમણૂંક કરી, જિલ્લા કક્ષાના ઉચ્ચાધિકારીઓને જે તે તાલુકાઓના નોડલ અધિકારી તરીકેની વિશેષ જવાબદારી સુપરત કરવામા આવી છે તેમ જણાવ્યું હતું.

જેમના માર્ગદર્શન હેઠળ જિલ્લામા 45+ નાગરિકોના પ્રથમ, અને સેકન્ડ ડોઝ માટેની કામગીરી સત્વરે પૂર્ણ કરવાની પણ તેમણે સૂચના આપી હતી. વેક્સિનેશન ડ્રાઇવમાં સ્થાનિક શિક્ષકો, એન.એસ.એસ. કેડેટ્સ, સ્વામી વિવેકાનંદ મંડળોના પ્રતિનિધિઓ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રતિનિધિઓ સહિત મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓના સહયોગથી વેક્સિનેશન બાબતે વ્યાપક જનજાગૃતિ હાથ ધરવાની હિમાયત કરતા કલેકટર પંડ્યાએ, આ બાબતનો ગ્રામ્ય સ્તરે વ્યાપક પ્રચાર પ્રસાર થાય તે ઇચ્છનીય છે તેમ પણ જણાવ્યું હતું.

બેઠકમા નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોર, પ્રાંત અધિકારી કાજલ ગામીત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.બી.ચૌધરી, આયોજન-સહ-તાલુકા વિકાસ અધિકારી શિવાજી તબિયાડ, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...