ઔષધિય ખજાનો:શક્તિ‌વર્ધક ઔષધિ સફેદ મૂસળીની દેશ-વિદેશમાં માગ

આહવા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાંગમાં 65 એકરમાં વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી 19 કરોડથી વધુ આવક મેળવી

ડાંગ જિલ્લો એ ઓર્ગેનિક ખેતી ધરાવતો જિલ્લો છે.અહી ઔષધિઓનો ખજાનો છે. આદિવાસી જનજીવન રોજિંદા વપરાશમાં પણ વનઔષધિનો ઉપયોગ કરતા હોય છે. જેના કારણે તેમની તંદુરસ્તી સારી રહે છે. હાલમાં ચોમાસામાં આવી જ એક ઔષધિય પાક નામે સફેદ મૂસળીની ખેતી કરવામાં આવે છે. સફેદ મૂસળી શક્તિવર્ધક ઔષધિ માનવામાં આવે છે.જેની દેશ વિદેશમાં ખૂબ માંગ છે. વિદેશમાં લોકો તેને ઇન્ડિયન વાયગ્રા તરીકે ઓળખે છે.

ડાંગ જિલ્લાનું ભવાડી ગામ દેશ-વિદેશમાં પ્રખ્યાત બન્યુ છે. આ ગામમાં શક્તિવર્ધક સફેદ મૂસળીની ખેતી થાય છે. ગામનાં જયેશભાઇ મોકાસીએ શરૂ કરેલી આ ખેતી હવે દરેક ખેડૂતોએ અપનાવી લીધી છે અને લાખોની આવક મેળવી પોતાનું જીવન સદ્ધર કરી રહ્યાં છે. ગુજરાતના ડાંગ સહિત મધ્યપ્રદેશ, પશ્ચિમ હિમાલય, ઉત્તર હિમાલય અને પંજાબમાં પણ ઉત્તમ પ્રકારની મૂસળીની ખેતી થાય છે. ડાંગમાં ચોમાસાની શરૂઆત થતા જ સફેદ મુસળીની ખેતી કરવામાં આવે છે.

એક અંદાજ મુજબ ડાંગ જિલ્લામાં 385 જેટલા નાના-મોટા ખેડૂતો સરકારી યોજનાના લાભ સાથે કે પોતાની રીતે કુલ 65થી વધુ એકરમાં સફેદ મુસળીની ખેતી કરે છે. 1 એકરના ક્ષેત્રમાં ખેડૂતને લગભગ 2000 કિલોગ્રામ મૂસળી મળે છે, જે તૈયાર થયા પછી કાચી મૂસળી અને તેનો પાવડર બનાવી પ્રતિ કિલોના 1000 થી 3000 પ્રમાણે લાખોનીઆવક મેળવી રહ્યાં છે ડાંગ જિલ્લામાં 65 એકરમાં વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી 19 કરોડથી વધુ આવક મેળવી આદિવાસી ખેડૂતો ચાર ગણી આવક મેળવનાર ખેડૂતો બની ગયા છે. જેને લઈને સમગ્ર ભવાડી ગામના લોકોનું જીવનધોરણ ઊંચુ આવ્યુ છે. ડાંગના વનવિભાગ દ્વારા પણ આર્થિક રીતે નબળા ખેડૂતોને બિયારણ પૂરું પાડીને આ પ્રકારની ખેતી કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે.

સરકારની જુદી જુદી યોજનાઓ થકી ડાંગના તમામ ખેડૂતો આ પ્રકારે ખેતી કરી પોતાનું જીવન ધોરણ ઊંચું લાવે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જે માટે ગુજરાત સરકારે ભવાડી ગામના જયેશ મોકાસીને ફેસિલિટર બનાવ્યાં છે. જયેશભાઇ પાસેથી ડાંગનાં 385 અને વલસાડ જિલ્લાનાં 335 ખેડૂત તાલીમ લઈ સફેદ મુસળીની ખેતી કરે છે અને સરકારી સબસિડીનો લાભ પણ મેળવી રહ્યાં છે. સફેદ મૂસળીના મૂળમાં ઔષધિ ગુણ હોવાથી તેની દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. જ્યારે તેની ઉપરની લીલી ભાજી લોકો ખાવા માટે કરે છે. આ ભાજી પણ ખૂબ ફાયદાકારક હોવાનું માનવામાં આવે છે.

ડાંગના આહવામાં આવેલ આયુર્વેદિક ફાર્માસીમાં આ સફેદ મૂસળીમાંથી શક્તિમાન નામની દવા બનાવવામાં આવે છે. જે રાજ્યની તમામ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ સહિત દરેક દવાની દુકાનોમાં મળે છે. આ દવાની વિદેશમાં ખૂબ માંગ છે. વડાપ્રધાન નરેદ્ર મોદીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી છે ત્યારે ડાંગના ભવાડી ગામના ખેડૂતો ઔષધિય ગુણોવાળી ખેતી કરી પોતાની આવક ચાર ગણી કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...