પાકોને નુકસાન:ડાંગ જિલ્લામાં બપોર બાદ કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ

આહવા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાપુતારામાં બપોર બાદ વરસાદી ઝાપટાંથી ઠંડક પ્રસરી હતી. પ્રવાસીઓએ રીમઝીમ વરસાદનો આનંદ લૂંટ્યો હતો. - Divya Bhaskar
સાપુતારામાં બપોર બાદ વરસાદી ઝાપટાંથી ઠંડક પ્રસરી હતી. પ્રવાસીઓએ રીમઝીમ વરસાદનો આનંદ લૂંટ્યો હતો.
  • હવામાન વિભાગની આગાહી સાચી ઠરી
  • અચાનક વરસાદથી​​​​​​​ ડાંગી ખેડૂતોનાં પાકોને નુકસાન

ડાંગ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી સાચી ઠરી હતી. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સોમવારે બપોરબાદ વીજળીનાં કડાકા ભડાકા સાથે કમોસમી માવઠું તૂટી પડતા ડાંગી ખેડૂતોનાં પાકોને નુકસાન થયું છે. ડાંગ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે. ડાંગ જિલ્લામાં સોમવારે દિવસભર વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. સોમવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે કમોસમી માવઠુ થતા ડાંગી ખેડૂતોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

કમોસમી વરસાદને પગલે ડાંગી ખેડૂતોનાં બાગાયતી સહિત શાકભાજી પાકોને નુકસાન થયું હતું. આ સાથે ચાલુ વર્ષે ડાંગના ગામડાઓમાં ખેડૂતોનાં આંબાનાં વૃક્ષો પર આમ્રમંજરી બંધાઈને ખીલી ઉઠી હતી પરંતુ માવઠાને પગલે આંબા સહિત આમ્રમંજરીને નુકસાન થતા ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે. સોમવારે થોડા સમય માટે પડેલ કમોસમી માવઠાને પગલે ગામડાઓનું વાતાવરણ ચોમાસામય બની ગયું હતું અને જાહેર માર્ગો સહિત આંતરિક માર્ગો પર પાણી રેલાયું હતું. રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારામાં વાતાવરણનાં પલટા બાદ વરસાદ વરસતા ફરવા આવેલ પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો.

વહીવટી મથક આહવામાં અગામી 13મી માર્ચે શાહી ડાંગ દરબાર યોજાઈ રહ્યો છે ત્યારે આહવાનાં રંગ ઉપવનમાં ડાંગ દરબારનાં કાર્યક્રમો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડોમ મંડપ બનાવવાની કામગીરી ચાલુ કરાઇ છે પરંતુ વરસાદી માહોલને પગલે વિઘ્ન ઉભુ થતા ડોમની તમામ સાધન સામગ્રી પલળી ગઇ હતી. આ સાથે મંડપ ઉભો કરનાર ઈજારદારને નુકસાન વેઠવાની નોબત ઉભી થઇ હતી. મોડી સાંજે કમોસમી માવઠાને પગલે ગામડાઓનાં વાતાવરણમાં શીતલહેર વ્યાપી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...