તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રજાનો વિકાસ:ડાંગ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળના 1495 લાખના 291 વિકાસ કામોને મંજૂરીની મહોર

આહવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આહવામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ત્રણ વર્ષના કામોની સમીક્ષા કરાઇ

ડાંગ જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓને પરસ્પર સહયોગ સાથે પ્રજાકીય વિકાસકામો પૂર્ણ કરવાનો અનુરોધ કરતા, ડાંગના પ્રભારી મંત્રી રમણલાલ પાટકરે જિલ્લામાં હાથ ધરાતા વિકાસકામો બેવડાઈ નહી તેની તકેદારી દાખવવાની સૂચના આપી છે.

ડાંગ જિલ્લા સેવા સદનમાં યોજાયેલી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમા મંત્રીએ સને 2021/22ના વર્ષના ન્યુ ગુજરાત પેટર્ન યોજનાના કુલ રૂ. 1495 લાખના 291 કામોને મંજૂરીની મહોર મારી હતી. જિલ્લાના વિકાસ કામો બાબતે દરેક અમલીકરણ અધિકારીઓ ખૂબ જ ચોકસાઈ સાથે નિયત સમયમર્યાદામાં તેમના હસ્તકના કામો પૂર્ણ કરે તે જરૂરી છે તેમ જણાવતા મંત્રીએ ખાસ કરીને ભૂમિ અને જળ સંરક્ષણના કામો ઉપર વિશેષ લક્ષ કેન્દ્રિત કરવાનુ આહવાન કર્યું હતું.

સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ આંશિક ફેરફાર સાથે મંજૂર થયેલા સને 2021/22 ના 291 નવા કામો ઉપરાંત બેઠકમા ગત વર્ષ સને 2020/21ના વર્ષમા મંજૂર થયેલા કામો પૈકી શરૂ નહીં થઈ શકેલા જુદા જુદા વિભાગના 476.45 લાખના કુલ 65 કામની વિભાગવાર સમીક્ષા હાથ ધરી ઉપયોગી સૂચનો કર્યા હતા. જ્યારે પ્રગતિ હેઠળના 112.04 લાખના 24 કામોની સ્થિતિ અંગે પણ વિચાર વિમર્શ હાથ ધર્યો હતો. ઉલ્લેખનિય છે કે, સને 2020/21 ના વર્ષ દરમિયાન ડાંગ જિલ્લામાં ‘ન્યુ ગુજરાત પેટર્ન’ હેઠળ કુલ રૂ. 1346.41 લાખના 275 વિકાસ કામો મંજૂર કરાયા હતા.

દરમિયાન સને 2019/20ના 43.86 લાખના શરૂ થઈ નહીં શકેલા 3 કામ તથા 208.08 લાખના પ્રગતિ હેઠળના 15 કામોની ચર્ચાવિચારણા પણ હાથ ધરાઈ હતી. જ્યારે સને 2018/19ના વર્ષમા મંજૂર થયેલ ડોન ગામે નારીઆંબા ફળિયામાં સંગ્રહ તળાવ બનાવવાનું 23.86 લાખનુ કામ\’ સ્થળફેર હેતુ ચર્ચામા લેવાયું હતું. કોરોના કાળમાં શરૂ નહીં થઈ શકેલા 155.39 લાખના જુદા જુદા 11 કામોની પણ ચર્ચા વિચારણા કરાઈ હતી.

આ બેઠકમા જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાંવિત, સાંસદ ડો.કે.સી.પટેલ, ધારાસભ્ય વિજયભાઈ પટેલ, દશરથભાઈ પવાર, ત્રણેય તા. પં.ના પ્રમુખો, સમિતિ સભ્યો, અને જુદા જુદા વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયા, પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષક અગ્નીશ્વર વ્યાસ સહિતના ઉચ્ચાધિકારીઓએ ચર્ચામા ભાગ લઈ અમલીકરણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરુ પાડયું હતું.

અન્ય સમાચારો પણ છે...