શિક્ષણને પ્રાધાન્ય:ડાંગમાં બાળકોના ભવિષ્યને ધ્યાને લઇ આખરે શાળાનું તાળુ ખોલાયું, ખાનગીકરણ મુદ્દે ગ્રામજનોએ તાળાબંધી કરી હતી

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સરકારી શાળાઓનાં ખાનગીકરણ મુદ્દે ગ્રામજનોએ તાળાબંધી કર્યા બાદ બાળકોનાં ભવિષ્યને - Divya Bhaskar
સરકારી શાળાઓનાં ખાનગીકરણ મુદ્દે ગ્રામજનોએ તાળાબંધી કર્યા બાદ બાળકોનાં ભવિષ્યને

સરકારી શાળાઓનાં ખાનગીકરણ મુદ્દે ગ્રામજનોએ તાળાબંધી કર્યા બાદ બાળકોનાં ભવિષ્યને ધ્યાનમાં રાખી શાળાની તાળા ખોલી દીધા હતા. ડાંગ જિલ્લાની સરકારી માધ્યમિક શાળા ચીખલીમાં બાળકોનાં ભવિષ્યને ધ્યાનમાં રાખી ગ્રામજનોએ તાળુ ખોલી દેતા શિક્ષણ વિભાગે રાહત મેળવી છે.

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાની સરકારી માધ્યમિક શાળા નડગચોંડ અને આહવા તાલુકાની સરકારી માધ્યમિક શાળા ચીખલીને રાજ્ય સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા ખાનગીકરણમાં મર્જ કરીને દત્તક ધોરણે ભારતીય સંવર્ધન ટ્રસ્ટ સાંદિપની વિદ્યાસંકુલ પોરબંદરને સોંપતા વિવાદ વકર્યો હતો. ડાંગ જિલ્લામાં બે જેટલી સરકારી માધ્યમિક શાળાઓનું ખાનગીકરણ કરાતા ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ સહિત ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવી ડાંગ કલેક્ટર સહિત શિક્ષણ અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરી આ શાળાઓ સરકાર ચલાવે તેવી માંગણી કરી હતી.

જેમાં ગત બુધવારે ચીખલી ગામનાં રઘવાયેલા ગ્રામજનોએ સરકારી માધ્યમિક શાળા ચીખલીનાં ખાનગીકરણનો વિરોધ કરી શાળાનાં ગેટ પર નોટિસ ચિપકાવી દઈ તાળાબંધી કરી દેતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો હતો. હાલમાં સોમવારથી ધોરણ-9નાં વિદ્યાર્થીઓની પરીક્ષા પણ ચાલુ થઈ રહી હોય જેથી તાળાબંધીનાં પગલે બાળકોનાં શૈક્ષણિક ભવિષ્ય પર અસર પડવાનાં એંધાણ હતા.

જેથી ચીખલીના આગેવાન હીરાભાઈ રાઉત, દેવજુભાઈ, સાધ્વી યશોદા દીદી સહિત ગ્રામજનોએ તેઓનાં બાળકોનાં ભવિષ્યને ધ્યાનમાં રાખી શાળાનાં ગેટનું તાળુ ખોલી દેતા ડાંગ શિક્ષણ વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.

ખાનગીકરણના વિરોધમાં લડત ચાલુ જ રહેશે
આ વિસ્તારનાં આદિવાસી બાળકોનાં ભવિષ્યને ધ્યાનમાં રાખીને ગ્રામજનો દ્વારા ચર્ચા વિચારણા કરી આ તાળાબંધી ખોલવામાં આવી છે. સાથે સરકારી માધ્યમિક શાળા ચીખલીનાં ખાનગીકરણનાં વિરોધમાં અમારી લડત ચાલુ જ રહેશે. સરકારી માધ્યમિક શાળા ચીખલીનું સંચાલન સરકાર દ્વારા જ કરવામાં આવે અને કોઈપણ ભોગે શાળાનું સંચાલન ખાનગી સંસ્થાને કરવા દઈશું નહીં. - સંતોષભાઈ ભુસારા, આદિવાસી યુવા નેતા

અન્ય સમાચારો પણ છે...