તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ડાંગ જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થામાં પુરવઠાની સમીક્ષા

આહવા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક

ડાંગ જેવા છેવાડાના દુર્ગમ વિસ્તારમા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળની આવશ્યક ચીજવસ્તુનો પુરવઠો જળવાઈ રહે તે માટે જિલ્લા મથકે વધુ ક્ષમતા સાથે અત્યાધુનિક ગોડાઉનની આવશ્યકતા બાબતે ચર્ચા કરતા ડાંગ કલેકટરે આકસ્મિક સંજોગોમા જિલ્લાના રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવાની બાબતમા અનિચ્છનીય વિક્ષેપ નહીં પડે તેની તકેદારી રાખવાની હિમાયત કરી હતી.

ડાંગ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકને સંબોધતા કલેકટર ભાવિન પંડ્યાએ આહવા-7 (ઇન્દિરા કોલોની), ચિંચલી, અને બોરપાડામાં નવી વાજબી ભાવની દુકાનો ખોલવા સબબ બહાર પાડવામા આવેલા જાહેરનામા અનુસાર હાથ ધરાયેલી કાર્યવાહી બાબતે સમિતિ સભ્યો સાથે પરામર્શ હાથ ધર્યો હતો. જયારે કુશમાળ, અને ગોદડીયાની વાજબી ભાવની દુકાનો બંધ થતા અહીંના રેશનકાર્ડધારકોને વધુ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે તે માટે અહી બ્રાંચ એફ.પી.એ. શરૂ કરી અનાજ વિતરણ સમયસર ચાલુ રાખવા સાથે, આ મુશ્કેલીના કાયમી નિવારણ અર્થે હાથ ધરવાની કાર્યવાહી શરુ કરી દેવાની પણ સૂચના આપી હતી.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ કોરોના કાળ દરમિયાન વિનામૂલ્યે આપવામા આવતા અનાજના જથ્થા સહિત વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરતા કલેકટર ભાવિન પંડયાએ અંત્યોદય અન્ન યોજના, અને અગ્રતા ધરાવતા કુટુંબોની યોજનાના વિતરણ અંગેની પણ ચર્ચા હાથ ધરી હતી. ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવિતે એનએફએસએ, બીપીએલ, એપીએલ 1 અને 2 અને અંત્યોદય યોજના હેઠળના કાર્ડધારકોને મળવાપાત્ર અનાજના જથ્થા બાબતની ચર્ચા હાથ ધરી, જરૂરિયાત ધરાવતા કુટુંબો અનાજ મેળવવાથી વંચિત ન રહી જાય તે જોવાની તકેદારી દાખવવા અનુરોધ કર્યો હતો. ધારાસભ્ય વિજયભાઈ પટેલે જિલ્લાની વાજબી ભાવની દુકાનો દ્વારા નિયમિત રીતે અન્ન પુરવઠો કાર્ડ ધારકોને પહોંચાડવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...