વરસાદની આગાહી:ડૂબેલા 19 કોઝવે કમ પુલ પરથી પાણી ઓસરતા 33 ગામના જનજીવનને રાહત

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાંગમાં 19મી સપ્ટેમ્બર સુધી સરેરાશ 3થી 4 મિ.મી. વરસાદની આગાહી
  • છેલ્લા 24 કલાકમાં આહવા અને સુબીર કોરાકટ રહ્યા તો સાપુતારા વઘઇમાં 2-2 મિમી

ડાંગ જિલ્લામાં બુધવારે વરસાદી માહોલનું જોર ધીમુ પડ્યુ હતું. બુધવારે દિવસ દરમિયાન નહિવત વરસાદનાં પગલે જિલ્લાનાં 19 ડૂબાઉ કોઝવે કમ પુલો પરથી પાણી ઓસરી જતા 33 ગામનાં જનજીવને રાહતનો શ્વાસ લીધો હતો.

ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદનું જોર ધીમુ પડતા અહીં નહિવત વરસાદ નોંધાયો છે. ડાંગમાં વરસાદનું જોર ધીમુ પડતા ધસમસતી નદીઓનાં વહેણ થોડાક શાંત બન્યા છે. વરસાદનુ જોર હળવુ થતા ગતરોજ ડુબાણમાં ગયેલા કુલ 19 પૈકી બુધવારે સવારે 8 વાગ્યાની સ્થિતિએ 14 માર્ગ પરથી વરસાદી પાણી ઓસરતા આ માર્ગો ફરી આવાગમન માટે ચાલુ થયા હતા. જ્યારે અન્ય પાંચ માર્ગોમાં વઘઇ તાલુકાનાં સુપદહાડ-સૂર્યાબરડા રોડ, નાનાપાડા-કુમારબંધ રોડ,અને માછળી-ચીખલા-દિવડ્યાવન રોડ,તથા આહવા તાલુકાના બોરખલ-ગાયખસ-ચવડવેલ રોડ, સતી-વાંગણ-કુત્તરનાચ્યા રોડ જે બપોર બાદ આવાગમન બાદ ચાલુ થયા હતા. વઘઇ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરફથી મળેલી હવામાન બુલેટિન અનુસાર આગામી 19મી સપ્ટેમ્બર સુધી જિલ્લામાં સરેરાશ 3થી 4 મિ.મી. વરસાદની આગાહી કરવામા આવી છે.

આ સાથે જિલ્લામા આગામી પાંચ દિવસ દરમિયાન 12 થી 23 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દક્ષિણ-પશ્ચિમી પવન રહેવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. ડાંગમાં વરસાદ બાદ નાળા, પુલો, માર્ગો, ખેતી અને પશુપાલન, વીજ સહિત વન વિભાગને થયેલ નુકસાનીના સરવે સહિત, જિલ્લાના જનજીવનને ફરી ધબકતુ કરવા જિલ્લા વહીવટી તંત્રે રાઉન્ડ ધ ક્લોક કામગીરી હાથ ધરી છે. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યાનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન આહવા અને સુબીર કોરાકટ નોંધાયા હતા. જ્યારે સાપુતારામાં 2 મિમી અને વઘઇમાં 2 મિમી વરસાદ નોંધાયો હતોે. જોકે દિવસ દરમિયાન પણ છૂટછવાયો વરસાદ નોંધાતા ખેડૂતોએ રાહત અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...