વિવાદ:તંત્ર સંકલનમાં રાખતા નહીં હોવાથી અપમાન થયું હોવાની રાજવીઓની રાવ

આહવા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાંગની ઐતિહાસિક ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા ડાંગ દરબારની આતુરતાથી લોકો રાહ જોઇ રહ્યાં છે
  • વહીવટી તંત્રએ તારીખની જાહેરાત રાજાઓને કરી નથી, મિટીંગ માટે પણ બોલાવ્યા ન હોવાથી નારાજગી વ્યક્ત કરી

ડાંગ જિલ્લાનો ઐતિહાસિક ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો ડાંગ દરબારનાં પડઘમ વાગી રહ્યા છે,ત્યારે ડાંગનાં રાજવીઓને વહીવટીતંત્ર સંકલનમાં રાખતા નહીં હોવાની નારાજગી સાથે રાજ્યપાલને તંત્ર વિરુદ્ધ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારતા વિવાદ ઉભો થયો છે. ડાંગનાં રાજવી પરિવારોની વર્ષો જૂની પરંપરા મુજબ આજે પણ વર્ષમાં એક્વાર ડાંગ દરબાર યોજી બહુમાન કરી પોલિટિકલ પેન્શન એટલે કે રાજકીય સાલિયાણુ આપવામા આવે છે. વર્ષોથી ચાલતી આ પરંપરા કોરોના કાળમાં બંધ રહી હતી. જોકે હવે કોવિડની અસર ઓછી થતા ડાંગ વહીવટી તંત્રએ આ વર્ષે ડાંગ દરબારની તૈયારી શરૂ કરી દીધી છે.

ડાંગ જિલ્લાની ઐતિહાસિક અને ભાતીગળ લોકસંસ્કૃતિને ઉજાગર કરતા ડાંગ દરબારની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. ખાસ કરીને સ્થાનિક રાજાઓ જેમને વર્ષમાં એકવાર જાહેરમાં રાજ્યપાલના હસ્તે સન્માનિત કરીને મોંઘી ભેટસોગાદો આપે છે, સાથે રાજકીય સાલિયાણું એટલે કે પોલિટિકલ પેન્શન આપવાની પરંપરા જાળવે છે. આ ડાંગ દરબાર મેળામાં દેશનાં વિવિધ આદિવાસી નૃત્યો અને સંસ્કૃતિની ઝાંખી જોવા મળે છે. ખુદ રાજ્યપાલ ડાંગ આવીને રાજાઓનું સન્માન કરે છે અને તેમને પોતાના હસ્તે ચેક અર્પણ કરે છે.

ગત વર્ષે કોરોના સંક્રમણને લીધે ડાંગ દરબાર મોકૂફ રાખવામાં આવ્યો હતો જોકે હવે કોરોનાની અસર ઓછી થતા ડાંગ વહીવટી તંત્રએ ડાંગ દરબારની તૈયારી શરૂ કરી દીધી છે. ડાંગ જિલ્લા કલકેટરે હોળી પહેલા રાજ્યપાલ પાસે સમય લીધા બાદ તારીખ જાહેર કરવા જણાવ્યું છે. જોકે જે રાજાએ સરકારને પોતાના કરોડોની સંપત્તિ એવા અનમોલ જંગલો આપી દીધા અને આ જંગલોની રક્ષા પણ કરી એ પાંચેય રાજાઓની હાલત આજે તેમની ગરીબ પ્રજા કરતા પણ બદતર બની ગઇ છે.

એક તરફ રાજાનો ઠાઠ, સાંસ્કૃતિક વારસો છે જ્યારે બીજી તરફ પારિવારીક જવાબદારી, ડાંગ દરબાર યોજાશે એ માટે રાજાઓ ખુશ છે પરંતુ વહીવટી તંત્ર દ્વારા હજુ ડાંગ દરબારની તારીખની જાહેરાત રાજાઓને કરી નથી અને આ માટેની મિટીંગમાં તેઓને બોલાવ્યા નથી એને લઈને પણ નારાજગી બતાવી છે. હાલ યોજાનાર દરબારના આયોજનમાં તેઓની બાદબાકી કરી અપમાન કર્યું છે.

ઓરમાયું વર્તન કરાઇ રહ્યું છે
અમારો ઐતિહાસિક ગણાતો ડાંગ દરબારના આયોજનમાં સ્થાનિક તંત્ર દ્વારા અમારી સાથે ઉપેક્ષા કરી ઓરમાયું વલણ રાખે છે. અમારા પૂર્વ રાજવી દાદા પરદાદાઓએ કિંમતી જંગલની સંપત્તિ સરકારને સોંપી છે. જેમાં અમોને પરંપરાગત ડાંગ દરબારનું આયોજન કરી સન્માનવામાં આવે છે પરંતુ હાલ યોજાનાર દરબારના આયોજનમાં અમોને બાદબાકી કરી અમારૂ અપમાન કર્યું છે. જેને અમો રાજવીઓ રાજ્યપાલને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે. - ધનરાજસિંહ સૂર્યવંશી, રાજવી, વાસુર્ણા

ડાંગ દરબારનો પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ
ડાંગ જેવા અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં ડાંગ દરબાર એ એક માત્ર મનોરંજ માટેનો મેળો છે. જેને લઈને સ્થાનિક લોકોમાં જેટલો ઉત્સાહ હોય છે એટલો જ ઉત્સાહ આદિવાસી સંસ્કૃતિને નિહાળવા માટે દેશ અને દુનિયામાંથી આવતા પ્રવાસીઓ માટે પણ રહેતો હોય છે. આ વર્ષે ડાંગ દરબારની રોનક જોવા જેવી રહેશે.

અન્ય સમાચારો પણ છે...