કમોસમી વરસાદ:સાપુતારા પંથકમાં સર્વત્ર વરસાદથી જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા

આહવા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 5 દિવસથી વાતાવરણમાં પલટો નોંધાતા દ્વિભાષી ઋતુચક્ર પ્રતિતી થઇ

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત તળેટીય વિસ્તારના ગામડાઓમાં સોમવારે સાંજના અરસામાં ધોધમાર સ્વરૂપે કમોસમી વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી. કમોસમી વરસાદી તાંડવે ઉભા સહિત કાપણી કરેલ પાકોને ઘમરોળતા ડાંગી ખેડૂતોની સ્થિતિ બેહાલ થયા છે.

રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસથી વાતાવરણમાં પલટો નોંધાતા અહીં દ્વિભાષી ઋતુચક્ર પ્રતીત થવા પામી છે. ડાંગ જિલ્લાના ગામડાઓમાં કમોસમી માવઠાએ માઝા મુકતા જનજીવન ત્રસ્ત બન્યુ છે. સોમવારે ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા, આહવા,વઘઇ અને સુબિર સહિત પંથકના ગામડાઓમાં સાંજના અરસામાં વીજળીનાં કડાકા ભડાકામાં કમોસમી માવઠું તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી. ડાંગ જિલ્લાના ગામડાઓમાં કમોસમી વરસાદના પગલે ઉભા અને કાપેલા પાકના જંગી નુકસાન થતા ડાંગી ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે.

સોમવારે સાંજના અરસામાં ગિરિમથક સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં આવેલ શામગહાન પંથકના ગામડાઓમાં થોડા અરસા માટે ધોધમાર વરસાદ તૂટી પડતા માર્ગો પર પાણીની રેલમછેલ ફરી વળી હતી. સાથે આંતરિક માર્ગ અને ખાડા વરસાદી પાણીથી ઉભરાયા હતા.

ગિરિમથક સાપુતારા પંથકમાં સોમવારે મોડી સાંજે પડેલ કમોસમી વરસાદનાં પગલે ડાંગર, વરાઈ, નાગલી, અડદ, સોયાબીન, તુવેર, ખરસાણી, જુવાર સહિત શાકભાજી જેવા પાકને જંગી નુકસાન થયુ હતુ. ડાંગ જિલ્લાના ગામડાઓમાં છેલ્લા પાંચેક દિવસથી સમયાંતરે કમોસમી માવઠું વર્તાતા ડાંગી ખેડૂતોને જંગી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર ડાંગી ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવે તે જરૂરી બની ગયું છે.

અન્ય સમાચારો પણ છે...