જુગારધામ:વરલી-મટકાના જુગારધામ પર પોલીસની રેડ,12 ઝબ્બે, 2 ફરાર

આહવા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુબીરના જોગથવા ગામે આઈજીની સ્પેશ્યલ ટીમની કાર્યવાહી

સુરત રેંજ આઈ.જી.પી.વિભાગની પ્રોહિબિશન જુગાર સ્પેશિયલ ડ્રાઈવ ટીમે ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં જોગથવા ગામે વરલી મટકા-જુગારધામનાં અડ્ડા પર છાપો મારી કુલ રૂ. 1,89,705નો મુદ્દામાલ કબજે કરી 12 જણાં સામે ગુનો નોંધતા ખળભળાટ મચી ગયો છે.

સુરત રેંજ આઈ.જી.પી.વિભાગનાં આઈ.જી દ્વારા દક્ષિણ ગુજરાતમાં પ્રોહિબિશન અને જુગારની બદીને દૂર કરવા પાંચ જિલ્લાનાં પોલીસ અધિકારીઓની ટીમ બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમાં ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં સુબીર પોલીસ મથકનાં હદ વિસ્તારમાં આવેલા જોગથવા ગામે પૈસા વડે મોટાપાયે જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. બાતમીનાં આધારે સુરત રેંજ વિભાગની પ્રોહિ.-જુગાર સ્પેશિયલ ડ્રાઈવ ટીમે ગતરોજ સુબીર તાલુકાનાં જોગથવા ગામે જુગારધામનાં અડ્ડા પર છાપો મારતા સ્થળ પર જુગારીયાઓ પૈસા વડે અંકોનો જુગાર રમી રહ્યા હતા.

અહીં સ્થળ પરથી સુરત રેંજ વિભાગની સ્પેશિયલ ડ્રાઈવ ટીમે જુગાર રમાડનાર પાસેથી રૂ. 27,905 રોકડા, 6 બાઈક અંદાજીત કિંમત 1,45,000, 5 મોબાઈલ કિંમત 13,500 તથા અન્ય સાધન સામગ્રીનાં મળી કુલ રૂ. 1,89,705 મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત રેંજ આઈજીપીની ટીમે વૈશુભાઈ ગાવીત (પીપલદહાડ), ગણેશભાઈ પવાર (પીપલદહાડ), ગમફુભાઈ બાગુલ (જોગથવા), નિલેશભાઈ ખુરખુટિયા (જોગથવા), એમાભાઈ દેશમુખ (ચમારપાડા), મહાદુભાઈ પાડવી (કરંજ), રાજુભાઈ જાદવ (ખાજુર્ણા), હિરેનભાઈ ભોયે (પીપલદહાડ)ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે વરલી મટકાનો જુગાર રમાડનાર રાજુભાઈ ચૌધરી (આહવા) તથા શાંતુભાઈ ભોયે (પીપલદહાડ) નાસી જતા તેમને ફરાર જાહેર કરી કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ મચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણાં લાંબા સમયથી આ વિસ્તારમાં જુગારધામ ચાલી રહ્યાંની ચર્ચા જાગી હતી. પરંતુ ત્યાં સુધી ડાંગ પોલીસ પહોંચે તે પહેલા જ સ્પેશ્યલ ટીમે ત્યાનો પર્દાફાશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...