ફરિયાદ:દારૂ સાથે પકડાયેલા આરોપીઓની PSI સહિત કર્મીઓએ માર્યાની અરજી

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પોલીસ વડાને આપેલી અરજીમાં કસુરવાર સામે કાર્યવાહીની માગ

આહવા તાલુકામાં સમાવિષ્ટ ગોંડલવિહીર ગામનાં જયેશભાઇ કામડીએ સોમવારે ડાંગ જિલ્લા પોલીસવડાને લેખિતમાં અરજ ગુજારી જણાવ્યું છે કે 19મીએ રાત્રે ધવલીદોડનાં અનિલભાઈ ભોયે તેમજ સુરેશભાઈ ચૌર્યા (રહે. ઘુબીટા) સાથે ધવલીદોડ ગામથી ગોંડલવિહીર તરફ જઈ રહ્યાં હતા. ચૂંટણીમાં પેટ્રોલિંગ કરી રહેલા આહવા પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓની ટીમે તેઓને ઉભા રાખ્યા હતા અને દારૂનો ગુનો નોંધી પૂછપરછ કરવાનાં બદલે પોલીસ કર્મીઓએ તેઓને સ્થળ પર લાકડાના ડંડા વડે ઢોર માર માર્યા હતા.

આહવા પીએસઆઈ કે.કે.ચૌધરીએ સર્વિસ રિવોલ્વર કાઢી તાકી તેઓને સરકારી પોલીસ જીપમાં બેસાડી આહવા પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. જ્યાં તેઓ પર અમાનુષી ત્રાસ ગુજારી મારઝૂડ કરી હતી. વધુમાં અરજદારે જણાવ્યું કે પોલીસે જો તમે દવાખાનામાં દાખલ થશો તો તમને આ ગુના સિવાય બીજા ગુનાની અંદર જેલમાં પુરાવીને તમારા હાડકા ખોખરા કરીને જાનથી મારી નાખીશું એવી ધમકી આપી હતી.

પોલીસે સ્થળ પર પ્રોહિબિશન ગુનાની પતાવટ કરવા સારૂ 60 હજારની માંગણી કરી હતી જે આપી શક્યાં ન હતા. પોલીસ કર્મીઓની ધાકધમકીનાં કારણે તેઓ સમયસર સારવાર લઈ શક્યાં ન હતા પરંતુ તબિયત વધુ બગડતા સોમવારે આહવા સિવિલમાં સારવાર માટે દાખલ થયા હતા. સમગ્ર ઘટના અંગે જિલ્લા પોલીસ વડાને અરજી આપ્યા બાદ ઘટતું કરવા અનુરોધ કર્યો છે.

આરોપી કારમાં 7 બિયર સાથે ઝડપાયા હતા
ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં જયેશભાઇ કામડી (રહે. ગોંડલવિહીર, તા.આહવા), અનિલભાઈ ભોયે, સુરેશભાઈ ચોર્યા) અર્ટિગા ગાડી (નં. જીજે-30-એ-2014)માં ગેરકાયદે 7 નંગ બિયર કિંમત રૂ. 1050 સાથે પકડાયા હતા. આહવા પોલીસની ટીમે તેમની પાસેથી બિયર સહિત 3 મોબાઈલ, 14150 રોકડ તથા કાર કિંમત રૂ. 3 લાખ મળી કુલ રૂ. 3,29,060નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એકટ મુજબ ગુનો નોંધ્યો હતો.

તપાસ સોંપાઇ છે
દારૂ સાથે પકડાયેલા આરોપીએ પોલીસ કર્મી વિરૂદ્ધ અરજી આપી છે એ હકીકત છે તે અંગેની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારીને સોંપાઇ છે.જે સત્ય હશે તે હકીકતને ધ્યાનમાં રાખી કાર્યવાહી કરવા સૂચના આપી છે. > રવિરાજસિંહ જાડેજા, એસપી, ડાંગ

અન્ય સમાચારો પણ છે...