કેળવણી:ડાંગનાં 15 ગામડામાં માનવ અને વન્યજીવ વચ્ચે સંઘર્ષ અટકાવવા લોકોને જાગૃત કરાયા

આહવા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જંગલમાંથી અવારનવાર પ્રાણીઓ વસતીમાં આવી ચઢતા હોય તેની ઓળખ અપાઇ

આશુતોષ ફાઉન્ડેશનનાં સહયોગથી પૂર્ણાં અભયારણ ડાંગ જિલ્લાનાં 15 ગામડામાં માનવ સાથે વન્ય જીવ સંઘર્ષ અટકાવવા જાગૃતિનાં પ્રયાસો અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લામાં પ્રકૃતિ પૂજક આદિવાસીઓની સંખ્યા સૌથી વધારે છે. વર્ષોથી જંગલમાં રહેતા આવેલા આદિવાસીઓ પ્રકૃતિના ખોળે રહી પ્રકૃતિની પૂજા કરતા આવ્યા છે. જંગલ વિસ્તાર વધારે હોવાનાં કારણે જંગલમાં પ્રાણીઓ અવારનવાર નજરે ચડે છે. ડાંગ જિલ્લાનાં પૂર્ણાં નદીનાં કિનારે આવેલ જંગલ વિસ્તારને પૂર્ણાં અભયારણ્યનું બિરુદ પ્રદાન થયું છે.

આ જંગલ વિસ્તારમાં અવારનવાર લોકોનું જંગલી પશુઓ સાથે ઘર્ષણ પણ થતું હોય છે. આ ઘર્ષણને અટકાવવા અને વન્ય પશુઓ અંગે જાણકારી આપવા તાજેતરમાં જ ગુજરાત ઇકોલોજી કમિશન, ગાંધીનગરનાં માર્ગદર્શન હેઠળ આશુતોષ ફાઉન્ડેશન દ્વારા પૂર્ણા અભ્યારણ ડાંગ જિલ્લાનાં મહાલ, ઢોંગીઆંબા, કડમાળ, દહેર, ગાઢવી વગેરે જેવા 15 ગામમાં ‘માનવ-વન્યજીવ સંઘર્ષ અને તેને અટકાવવા માટે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં વિષયનાં અનુસંધાને આવી પરિસ્થિતિ ઉભી થવા પાછળના કારણો અને તેના નિવારણના ઉપાયો, સાથે જ મનુષ્ય અને વન્યજીવ- જંગલ સુરક્ષિત રહી શકે તે માટેની ઊંડાણપૂર્વકની સમજૂતિ તાલીમકાર જીજ્ઞેશભાઈ અને રાજેશભાઈ તથા મહાલ ગામના વતની અને નિવૃત્ત આરએફઓ વળવીએ ગ્રામજનોને વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં કાંટાળા થોરની વાડ, તાર ફેન્સિંગની વાડ, વિદ્યુત પ્રવાહવાળી ઝટકાવાડ વગેરે બનાવવાની વાત કરવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમોમાં ગામના સરપંચ, ગામ આગેવાનો ગ્રામજનો વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...