હાશકારો:ડાંગમાં સપ્તાહથી એક પણ પોઝિટિવ કેસ નહીં

આહવા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડાંગમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થતા ગત એપ્રિલ-મે મહિના કરતા જૂન મહિનામાં સૌથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા અઠવાડિયાથી ડાંગમાં કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. ડાંગ જિલ્લો કોરોના મુક્ત બનવા તરફ જઈ રહ્યો છે. હાલ જિલ્લામાં માત્ર 2 એક્ટિવ દર્દી છે. જેઓને હોમ આઇસોલેશનમાં રખાયા છે.

ડાંગનાં જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર અત્યાર સુધીમાં ડાંગમાં કુલ 689 કેસ નોંધાઇ ચૂક્યા છે, જે પૈકી 687 દર્દીને રજા અપાઈ છે. જ્યારે માત્ર 2 કેસ એક્ટિવ રહ્યાં છે. એક્ટિવ કેસના 2 દર્દીને હોમ આઇસોલેશનમાં છે. કોરોના સંક્રમણ’ને અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 85 વ્યક્તિને હોમ કવોરન્ટાઈન કરાયા છે. જ્યારે 11299 વ્યક્તિના હોમ કવોરન્ટાઈન પૂર્ણ થયા છે. જિલ્લામાં આજની તારીખે કુલ 4 કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે.

આજની તારીખે કન્ટેઈનમેન્ટ ઝોન પિંપરી, ખાંભલા, ઇસદર, ટેકપાડા, ગામમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સરવેની કામગીરી કરાઇ છે. ટેસ્ટિંગની વિગતો જોઈએ તો શનિવારે જિલ્લાભરમાંથી 71 એન્ટીજન ટેસ્ટ કરાયા હતા, જે તમામ નેગેટિવ રહ્યાં છે. ગતરોજ RT PCR ટેસ્ટના 85 સેમ્પલ કલેક્ટ કરાયા હતા, જે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. કોરોનાને કારણે ડાંગમાં અત્યાર સુધીમાં 28 મૃત્યુ નોંધાયા છે. ઉપરાંત જિલ્લામા આ અગાઉ મ્યુકરનો પણ એક કેસ નોંધાયો હતો, જેનુ પણ મૃત્યુ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...