સંસ્કૃતિનું સંવર્ધન:પ્રકૃતિ પૂજક ડાંગના આદિવાસીઓએ પરંપરા મુજબ પશુઓની પૂજા કરી વાઘબારસની ઉજવણી કરી

આહવા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જંગલમાં ઢોરો ચરતા હોય ત્યારે વાઘ અને નાગદેવતા દુર રહે તેવી વિનંતી કરાય છે

પ્રકૃતિ પૂજક ડાંગ જિલ્લાનાં આદિવાસીઓએ હર્ષોલ્લાસ પૂર્વક વાઘ બારસની ઉજવણી કરી હતી. ડાંગ જિલ્લામાં વાઘ બારસનાં દિવસે ઘરનાં પશુઓની પૂજા કરવામાં આવે છે. આ પૂજા સાંજનાં સમયે ગામનાં ચોરા પાસે બધા ગ્રામજનો એકઠા થઈ કરે છે. ગામનાં જ લોકો પોતાના ગાય-બળદોને એકઠા કરીને તેમની પૂજા અર્ચના કરે છે. ગામનાં પાંચ આગેવાનો, પથ્થરનાં પાંચ દેવતા લઈને ગાયોની ફરતે પાંચ ફેરા ફરે છે. આ પથ્થર પર નાગ, વાઘ, ગાય, રીંછ અને માણસનાં ચિહનો દોરેલા હોય છે,ત્યારબાદ દૂર રસ્તા પર એક જગ્યાએ ઈંડુ અને મરઘીનું નાનુ બચ્ચુ મુકવામાં આવે છે.

સાંજનાં સુમારે ચરાણ કરી પરત ફરેલ ઢોરોને તે જગ્યા પરથી દોડાવવામાં આવે છે. જો ઈંડુ ફૂટી જાય કે બચી જાય તેના પરથી આખુ વરસ કેવુ જશે તેની ડાંગી આદિવાસી ગ્રામજનો ધારણા કરતા હોય છે. ચોરા પાસે અગ્નિ સળગાવવામાં આવે છે અને આ અગ્નિમાંથી ગોવાળીયાઓને પાંચ વખત કૂદકો મારવાનો હોય છે, ત્યારબાદ મુખ્ય ગોવાળને અગ્નિ પાસે જઈને ભગત દ્વારા પૂછવામાં આવે છે. મારી જગ્યા છોડીને જઈશ કે નહી એટલે કે જંગલમાં જ્યારે ઢોરો ઘાસ ચરતા હોય ત્યારે વાઘ દેવતા અને નાગદેવતાને તેમના ઢોરોથી દુર રહેવાની વિનંતી કરવામાં આવે છે.

બાદમાં આ પાંચ લોકોને સમૂહમાં એક જ થાળીમાં ભોજન આપવામાં આવે છે. આ પૂજા વિધિ બાદ ગ્રામજનો સમૂહ ભોજન કરીને પોતાના ઘરે આવે છે. તે પછી સાંજે ગાય-બળદોને ઘરે લાવીને ડાંગર ખવડાવવામાં આવે છે. વાઘ બારસની પરંપરાગત પ્રથાને આજેપણ ડાંગી આદિવાસીઓએ જાળવી રાખી છે. વાઘ બારસનાં દિવસે ડાંગ જિલ્લાના દરેક ગામડામાં આજ રીતે વાઘદેવતાની પૂજા કરવામાં આવે છે. સામાન્ય માણસ માટે આ વાઘ બારસની પૂજાવિધિઓ સમજની બહાર છે પણ આદિવાસી પ્રજા માટે તેમની સંસ્કૃતિ અને વર્ષોથી ચાલી આવતી પરંપરા સાથે તેમની આસ્થા જોડાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...