તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર રિયાલિટી ચેક:મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન માત્ર કાગળ પર CCCCમાં દેખાયો 0000 અવકાશ

આહવા3 મહિનો પહેલાલેખક: સોમનાથ પવાર
  • કૉપી લિંક
ઝરીમાં પણ બેડ સિવાય કોઇ સુવિધા નહીં - Divya Bhaskar
ઝરીમાં પણ બેડ સિવાય કોઇ સુવિધા નહીં
  • ડાંગ જિલ્લાના 311 ગામમાંથી 83 ગામમાં કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં સુવિધાનો દાવો પોકળ
  • ભાસ્કરે 14 સેન્ટર પર રિયાલિટી ચેક કરતાં 6 સેન્ટર પર તો દરવાજા જ બંધ હતા, બાકીનામાં માત્ર બેડ દેખાયા, આરોગ્ય સ્ટાફ નહીં

ચૂંટણી ટાણે ગામેગામ ફરતા નેતાઓ કોવિડ કાળ દરમિયાન ભૂગર્ભમાં ચાલ્યા ગયા હોય તેમ ક્યાંય જોવા મળતા ન હતા. જેના કારણે રાજ્યમાં આરોગ્ય તંત્ર વેન્ટિલેટર પર હોય તેવી દારૂણ સ્થિતિ નિર્માણ પામી હતી. હજારો લોકોના સારવારના અભાવે મૃત્યુ થતાં હવે સરકાર સફાળી જાગી છે અને લોકો માટે સંવેદના ધરાવે છે તેવું પ્રસ્થાપિત કરવા હવાતિયા મારી રહી છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ‘મારુ ગામ, કોરોના મુક્ત ગામ’ અભિયાનનો વાસ્તવિક અમલ થાય તો આવકારદાયક છે, જેમાં કોવિડના સામાન્ય લક્ષણો ધરાવતા લોકોને આઇસોલેશન અને પ્રાથમિક સારવારની સુવિધા આપવાનો હેતુ દર્શાવાયો છે, પરંતુ ડાંગ જિલ્લાની વાસ્તવિક સ્થિતિ ચકાસવા દિવ્ય ભાસ્કરે રિયાલિટી ચેક કરતા આ અભિયાન માત્ર કાગળ પર જોવા મળ્યું છે. જેથી માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા પ્રજાને દાઝ્યા પર ડામ અપાયો હોય તેવુ ચિત્ર સામે આવ્યું છે.

ડાંગ જિલ્લાના 311 ગામમાંથી 83 ગામમાં કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ કાર્યરત કરીને કુલ 1242 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ હોવાનું જાહેર કરાયુ હતું. જેમા, સામાન્ય લક્ષણો ધરાવતા ગ્રામીણ નાગરિકોને આઇસોલેશન, પ્રાથમિક સારવારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની હતી, પરંતુ દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિએ 14 જેટલા કોવિડ કેર સેન્ટરની મુલાકાત કરી તો ત્યાં 99 ટકા કોવિડ સેન્ટરોમાં મુખ્ય ગેટ બંધ જોવા મળ્યા હતા. જયારે તમામ સરકારી શાળાઓને કોવિડ સેન્ટરોમાં તબદીલ કરવામાં આવી હતી, જેમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓના બેડ સિવાય કોઇ સુવિધા ઉપલબ્ધ કરાઇ નથી.

મેડિકલ સાધનસામગ્રી, મેડિકલ સ્ટાફ, વોચમેન, રસોઈયાં જેવો સ્ટાફ નથી, દવાઓ પણ ન હતી. ડાંગ જિલ્લાનાં મોટાભાગનાં સરપંચો અને તલાટીઓએ જાણે આ અભિયાનમાં તેમનાં ખિસ્સામાંથી રૂપિયા જવાનાં હોય તેમ વેઠ ઊતારતાં સરકારનું આ અભિયાન શોભાના ગઠિયા સમાન બની ગયું છે. જાહેર કરાયેલાં કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં આહવા સિવાયનાં ગામડાઓનાં સેન્ટરોમાં એકપણ દર્દીએ સારવાર લીધી નથી.

કડમાળ સેન્ટરનો બંધ દરવાજો ખોલાવો પડ્યો
કડમાળ ગામમાં સિઝનલ હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટરનો દરવાજો જ બંધ હતો જેથી વોચમેનને બોલાવી સરપંચની મંજૂરીથી દરવાજો ખોલીને જોતાં બે-બે ની જોડીમાં બેડ હતાં. જયારે અન્ય કોઈપણ સુવિધા ન હતી.

ઝરીમાં પણ બેડ સિવાય કોઇ સુવિધા નહીં
સુબીર તાલુકાનાં ઝરી સિઝનલ હોસ્ટેલમાં બનાવેલ કોવિડ સેન્ટરની મુલાકાત કરવા ગયાં ત્યાં કેર સેન્ટરનો દરવાજો બંધ હતો. બેડ ગોઠવેલાં હતાં, મેડિકલ સાધન સામગ્રી, મેડિકલ કે અન્ય સ્ટાફ ન હતો.

વાહુટિયામાં તો સ્ટાફ કે વોચમેન કોઇ જ નહીં
વાહુટિયા ગામે સિઝનલ હોસ્ટેલમાં ગયાં તો ત્યાં શાળાનાં વોચમેન કે કોવિડ કેર સેન્ટરમાં સ્ટાફ જ હાજર ન હતો. જેથી અહીં મુલાકાત શકય બની ન હતી, પરંતુ નામ માત્રનું કોવિડ કેર સેન્ટર જોવા મળ્યું હતું.

પીપલદહાડમાં કાળો કાગડો જોવા ન મળ્યો
​​​​​​​પીપલદહાડ ગામે સિઝનલ હોસ્ટેલનો ગેટ પણ બંધ હાલતમાં હતો. અન્ય સ્ટાફ પણ હાજર ન હતો. જ્યાં સ્ટાફ જ હાજર ન હોય અને દરવાજા બંધ હોય ત્યાં સ્વાભાવિક જ દર્દીને કોઇ સુવિધા કેવી રીતે મળી શકે.

ખાંભલામાં મેડિકલ સ્ટાફને શોધવા જવો પડે
​​​​​​​ખાંભલા ગામની સિઝનલ હોસ્ટેલની મુલાકાત કરતાં ત્યાં 10 બેડ હતાં, પરંતુ મેડિકલ સ્ટાફ, દવા કે અન્ય વ્યવસ્થા જોવા મળી ન હતી. અહીં પણ મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનનો છેદ ઉડી ગયેલી સ્થિતિ નજરે પડી હતી.

ચીંચલીમાં 20 બેડ, દવાનો 1 ડબ્બો મૂકાયો
ચીંચલીમાં એકલવ્ય મોડેલ શાળામાં હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના 20 બેડ ગોઠવેલાં હતાં, જયારે દવાનો એક ડબ્બો પડેલો દેખાયો હતો. ત્યાં મેડિકલ, રસોઈયા, વોચમેન, સ્ટાફ જોવા મળ્યો ન હતો. અહીં કોવિડ કેર સેન્ટરના દરવાજા પણ બંધ જોવા મળ્યા હતાં.

પીપલાઇદેવી-ગડદમાં પણ ખાટલે મોટી ખોટ
પિપલાઈદેવી સિઝન હોસ્ટેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લેતા જ્યાં બેડ મુકાયા હતાં. ગડદ ગામમાં પ્રાથમિક શાળામાં CCCC હોવાનું ગામનાં સરપંચ જણાવતાં હતાં, પરંતુ પ્રાથમિક શાળાનો મુખ્ય ગેટ જ બંધ હતો.

ચિચવિહીરમાં ચાદર વગરના બેડ, બીજુ કશું નહીં
ચિચવિહીર ગામમાં સિઝનલ હોસ્ટેલની મુલાકાત કરતાં ત્યાં પણ માત્ર બેડ પાથરી દીધેલા જોવા મળ્યાં હતાં, જયારે મેડિકલ સ્ટાફ, દવા, માસ્ક કે પીપીઇ કીટ જેવી અન્ય કોઇ સુવિધા ઉપલબ્ધ જોવા મળી ન હતી.

ગામ સમિતિ તમામ સુવિધા અને પ્રાથમિક કામગીરી કરશે
​​​​​​​ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું મારુ ગામ, કોરોના મુક્ત ગામ અભિયાન હેઠળનાં 83 ગામમાં કોમ્યુનિટી કોવિડ સેન્ટરો શરૂ કરવામાં આવ્યાં છે. જેનું સંચાલન ગામ સમિતિ કરશે. ભોજન કે અન્ય વ્યવસ્થા ગામ સમિતિ જ કરશે તથા દર્દીની સારવાર નજીકનાં સરકારી દવાખાનામાંથી પુરી પાડવામાં આવશે. > એચ.કે. વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી, ડાંગ

સરકાર-પાર્ટીના અભિયાનનું સુકાન સરપંચ સુપેરે સંભાળશે
​​​​​​​ગામમાં કોરોનાં દર્દીનાં કારણે પરિવાર કે ગામનાં લોકોમાં સંક્રમણ ન ફેલાઈ તે માટેનું પાર્ટી અને સરકારનું અભિયાન છે જે અભિયાન થકી કોરોનાં ફેલાતો અટકશે. સરપંચ તથા ચૂંટાયેલી પાંખ દ્વારા ગામલોકોની મુલાકાત કરી જો કોઈને તાવ,શરદી, ખાંસી જેવાં લક્ષણો હોય તો તેમને કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે લઈ જવામાં આવશે. જો વધુ ખરાબ હાલત હોય તો મોટી હોસ્પિટલમાં સારવાર લેવા જવાની સલાહ આપવામાં આવશે. > મંગળ ગાંવિત, પ્રમુખ, ડાંગ જિ.પં.

અન્ય સમાચારો પણ છે...