તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભયનો માહોલ:બારખાંદિયા ગામે આધેડ પર દીપડાનો હુમલો, ભયનો માહોલ

આહવા8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગમાં હસ્તકના વઘઇ રેંજનાં બારખાંદિયા ગામનાં આધેડ પર દીપડાએ હુમલો કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. દક્ષિણ વન વિભાગની ટીમ દ્વારા આ દીપડાને પકડવા માટે તુરંત જ પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ વઘઇ રેંજનાં બારખાંદિયા ગામનાં યુવાન રમેશભાઈ બેન્ડુભાઈ દેશમુખ (ઉ.વ. 55) પર મંગળવારે સવારે 9 વાગ્યાના અરસામાં દીપડાએ હુમલો કરી ઇજાગ્રસ્ત બનાવતા આ ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

જોકે આ ઘટનાની જાણ વન વિભાગની ટીમને થતા ડાંગ જિલ્લા દક્ષિણ વન વિભાગનાં ડીસીએફ નિલેશભાઈ પંડ્યાનાં માર્ગદર્શન હેઠળ વઘઇ રેંજનાં આરએફઓ ડી.કે.રબારીની ટીમ બારખાંદિયા ગામે દોડી ગઈ હતી. વઘઇ વન વિભાગની ટીમ દ્વારા આ ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે વઘઇ સીએચસી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. બારખાંદિયા ગામે વન વિભાગની ટીમ દ્વારા આસપાસમાં તપાસ હાથ ધરતા તેઓને પણ દીપડો દેખાયો હતો.

જેથી વઘઇ વન વિભાગની ટીમ દ્વારા આ દીપડાને જંગલ વિસ્તારમાં ભગાડી દીધો હતો. હાલમાં આ દીપડો અન્ય કોઈને નુકસાન નહીં પહોંચાડે તે માટે જંગલ વિસ્તારમાં પાંજરા ગોઠવી વધુ તજવીજ હાથ ધરવામાં આવી હોવાની માહિતી સાંપડી છે.

અન્ય સમાચારો પણ છે...