કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ (ડાંગ) અને ફળ સંશોધન કેન્દ્ર ગણદેવી દ્વારા ટેકપાડા ગામે ખેડૂત શિબિર યોજાઈ હતી. ડાંગ જિલ્લો જૈવ વિવિધતાની દૃષ્ટિએ ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ડાંગ જિલ્લામાં વિવિધ ધાન્ય જાતના પાકોની સાથે સાથે બાગાયતી પાકોની ખેતીનું ચલણ પણ વધતુ જાય છે. આ બાબતને અનુલક્ષીને તથા બાગાયતી પાકોમાં ખેડૂતોને પડતી વિવિધ મુશ્કેલીના નિવારણ માટે 9મીએ નવસારી કૃષિ યુનિવર્સિટી હસ્તકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ (ડાંગ) અને ફળ સંશોધન કેન્દ્ર ગણદેવી દ્વારા બાગાયતી પાકો થકી રોજગારના અવસરો વિષય પર ખેડૂત શિબિર ટેકપાડા ગામે તથા ‘કેળાની સેન્દ્રીય ખેતી પદ્ધતિ’ વિષય પર ક્ષેત્રીય દિવસનું આયોજન ડાંગ જિલ્લાના ભાલખેત ગામે કરવામાં આવ્યું હતું.
આ શિબિરની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા દ્વારા ખેડૂતોને ચોક્કસ પાક આયોજન સાથે ખેતી કરવાની સલાહ આપવામાં આવી હતી. ડો.અંકુર પટેલ, સહસંશોધન વૈજ્ઞાનિક, ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી દ્વારા કેળાના પાકની વૈજ્ઞાનિક ખેતી તથા તેના વાવેતરમાં આગળ આવવા જણાવવામાં આવ્યું હતું. ફળ સંશોધન કેન્દ્રના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડો. પ્રવિણ મોદીએ ખેડૂતોને બાગાયતી પાકો થકી રોજગારના અવસર તથા ગુજરાત સરકારમાં ચાલતી વિવિધ બાગાયતલક્ષી યોજના વિશે માહિતી આપી હતી.
આ તાલીમમાં ડો. ધર્મિષ્ઠા પટેલ, વૈજ્ઞાનિક(બાગાયત), કે.વી.કે. વ્યારા દ્વારા ડાંગ સેન્દ્રીય જિલ્લો હોવાના કારણે સેન્દ્રીય ખાતરોનો વપરાશ તથા તેની બનાવવાની વિવિધ પદ્ધતિ વિશે જણાવ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના બાગાયત વિષયના નિષ્ણાંત હર્ષદ પ્રજાપતિ દ્વારા નર્સરી વ્યવસ્થાપનના વિવિધ પાસા તથા ખેડૂતોનો ખેતી ખર્ચ ઓછો કરવાના વિવિધ ઉપાયો સમજાવવામાં આવ્યાં હતા.
આ કાર્યક્રમ દરમિયાન આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમમાંથી પધારેલ ધન્નાલાલ જાટ દ્વારા આગાખાન સંસ્થાની વિવિધ ખેડૂતોપયોગી કામગીરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અંતમાં ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવીના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક બી.એમ. નાયકે આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં 35થી વધારે ખેડૂતોએ ભાગ લીધો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.