ડાંગ જિલ્લાનાં પ્રવેશ દ્વાર વઘઇ ખાતેનાં રાજેન્દ્રપુર ફળીયામાં રહેતા પતિ પત્નીનાં ઝગડામાં પતિએ ઉશ્કેરાઈ જઈ પાવડા વડે પત્નીનાં માથા તેમજ શરીરનાં ભાગે ફટકારી મોતને ઘાટ ઉતારી દઈ સળગાવવાની પ્રયત્ન કરતા ચકચારી મચી જવા પામી છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પાંચેક વર્ષ પહેલા ગીતાબેનનાં લગ્ન વઘઇ તાલુકાનાં ભદરપાડા ગામનાં નિલેશભાઈ વાઘ સાથે થયા હતા. લગ્નનાં પાંચ વર્ષ બાદ ગીતાબેન અને નિલેશભાઈનાં છુટાછેડા થઈ ગયા હતા. બાદમાં છેલ્લા બે વર્ષથી ગીતાબેન વઘઇનાં રાજેન્દ્રપુરમાં રહેતા મુકેશભાઈ સુરેશભાઈ કુંવર સાથે પ્રભુતામાં પગલા પાડી લગ્ન જીવન જીવતા હતા. જેમાં ગતરોજ પત્ની ગીતાબેન કુંવર પતિ મુકેશભાઈને જાણ કર્યા વગર ફોઈને મળવા માટે વઘઇ નજીકનાં બારખાંદીયા ગામે ગયા હતા અને મોડી સાંજે બારખાંદિયાથી પરત વઘઇ રાજેન્દ્રપુરનાં ઘરે આવ્યા હતા. ગીતાબેન કુંવર ઘરે આવતા જ પતિ મુકેશભાઈ કુંવરે ઝગડો ચાલુ કરી દીધો હતો.
પતિ મુકેશભાઈ કુંવરે ઝગડો કરી ઉશ્કેરાઈને ઘરમાં પડેલ લોંખડના લાકડાના હાથાવાળો પાવડો ઊંધો પકડીને પત્ની ગીતાબેન કુંવરનાં માથાનાં તથા હાથ અને પગમાં પાવડો તુટી ગયો ત્યાં સુધી સપાટા મારી શરીરનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચાડી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પત્નીને મોતને ઘાટ ઉતારી લાશને સળગાવવા માટે લાકડા પણ ભેગા કર્યા હતા. વધુમાં આરોપી પતિએ પત્નીની હત્યા કર્યા બાદ અમુક કપડા સળગાવી દઈ પુરાવા પણ નાશ કર્યા હતા.
આ બાબતની જાણ મરણ જનારનાં ભાઈને થતા આરોપી મુકેશભાઈ સુરેશભાઈ કુંવર વિરુદ્ધ વઘઇ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા વઘઇ પોલીસ મથકનાં પી.એસ.આઈ. ડી.ડી વસાવાની પોલીસ ટીમે આરોપીને ગણતરીનાં કલાકમાં જ ધરપકડ કરી તેના વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.