આંદોલનની ચીમકી:ડાંગના બિલમાળ ગામે રસ્તો નહીં તો મત પણ નહીં, ગ્રામજનોએ વ્યક્ત કરેલો નિર્ધાર

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાંગ જિલ્લાનાં બિલમાળ ગામે બિસ્માર રસ્તો - Divya Bhaskar
ડાંગ જિલ્લાનાં બિલમાળ ગામે બિસ્માર રસ્તો
  • બિલમાળ ફાટકથી ખોખરી અને શિવમંદિરથી અંજની પર્વત સુધીનાં બિસમાર માર્ગ બાબતે રેલી

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં બિલમાળ ફાટકથી ખોખરી અને શિવમંદિરથી અંજની પર્વત સુધીનાં બિસમાર માર્ગ બાબતે ગ્રામજનોએ રેલી કાઢી ડાંગ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના બિલમાળ ગામનાં ગ્રામજનોએ સોમવારે જિલ્લા સેવાસદન નજીકથી રેલી કાઢી કલેક્ટર ડાંગને આવેદનપત્ર સુપરત કરી જણાવ્યુ હતુ કે બિલમાળ ફાટકથી ખોખરી મેઈન રોડ સુધીનો અંદાજીત 5 કિલોમીટરનો રસ્તો તથા શિવમંદિરથી અંજની પર્વત સુધીનો અંદાજીત 4 કિલોમીટરનો માર્ગ અત્યંત ખખડધજ હાલતમાં ફેરવાઈ ગયો છે.

જેના કારણે ગ્રામજનો સહિત શ્રદ્ધાળુઓને વર્ષોથી ઘણી મુશ્કેલીનો સામનો કરવાની નોબત ઉઠી છે. આ બન્ને બિસમાર માર્ગોનાં પગલે ગામમાં 108 એમ્બ્યુલન્સ કે એસટી બસ જેવી પાયાની સુવિધા મળતી નથી. જેના પગલે આમ ગરીબ જનતાને આરોગ્ય સહિત ઓફિસનાં કામ કાજ અર્થે વહીવટી મથક આહવા સુધી જવા તકલીફોનો સામનો કરવો પડે છે. જ્યારે આ બન્ને માર્ગો ખખડધજ હોવાનાં પગલે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.

આ માર્ગની સમસ્યા બાબતે ગ્રામજનોએ અગાઉ પણ લેખિતમાં સંબંધિત વિભાગને અરજ ગુજારી હતી. જે અરજ ગુજાર્યા બાદ પણ તંત્ર તરફથી કોઈ હકારાત્મક પગલા ભરવામાં આવ્યા નથી. જેથી તંત્ર તરફથી આ માર્ગ બાબતે દિન-7માં હકારાત્મક પગલા જો ભરવામાં નહીં આવે તો 8મા દિવસથી બિલમાળ ગામનાં ગ્રામજનો કલેક્ટર કચેરી આહવામાં ગાંધી ચીધ્યા માર્ગે ધરણા સહિત આંદોલન પર ઉતરશે એવી ચીમકી ઉચ્ચારી છે.

વધુમાં બિલમાળ ગામનાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ માર્ગ જો તુરંત નહીં બને તો આવનારી વિધાનસભા અને અન્ય તમામ ચૂંટણીનો ગ્રામજનો મક્કમતાથી બહિષ્કાર કરશેની ચીમકી ઉચ્ચારી છે. બિલમાળ ગામનાં લોકોએ રસ્તો નહીં તો મત પણ નહીં આપવાનો નિર્ધાર વ્યકત કરતા ખળભળાટ મચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...