તૈનાત:ડાંગ જિલ્લામાં ગ્રા.પં.ની ચૂંટણીમાં 1,03,235 મતદારો 36 સરપંચ અને 326 સભ્યનું આજે ભાવિ નક્કી કરશે

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે 862 પોલીસ જવાન તૈનાત કરાયા

ડાંગ જિલ્લામા આજે એટલે કે 19મી ડિસેમ્બરે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 51,847 પુરુષ અને 51,388 સ્ત્રી મતદારો મળી કુલ 1,03,235 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામા કુલ 41 ગ્રામ પંચાયતો પૈકી આ અગાઉ જ આહવા તાલુકાની ઘોઘલી અને વઘઈ તાલુકાની ચીંચોંડ ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થઇ ચૂકી છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખે જિલ્લાના 5 સરપંચ અને 44 સભ્ય પણ બિનહરીફ થયા છે.

આહવા તાલુકાની 13 પંચાયત, વઘઈ તાલુકામા 13 અને સુબીર તાલુકામા 10 મળી કુલ ૩૬ પંચાયતોમા સરપંચપદ માટે અને આહવા તાલુકામા 117 સભ્ય, વઘઈ તાલુકામા 124 અને સુબીર તાલુકામા 85 મળી કુલ 326 વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાશે. ડાંગ જિલ્લાની સમગ્ર ચૂંટણી પારદર્શી અને ન્યાયી તથા નિષ્પક્ષ વાતાવરણમા સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ, સમગ્ર ચૂંટણી તંત્રએ એકજુથ થઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.

આહવા તાલુકામાં 61, વઘઈમા 62 અને સુબીરમા 48 મળી કુલ 171 મતદાન મથકો ઉપર અંદાજિત 900 જેટલા ચુનંદા કર્મચારીઓને રવાના કરી દેવામા આવ્યા છે. સુચારુ વ્યવસ્થા તંત્ર જાળવવા માટે આહવાની સરકારી કોલેજમાં ડીસ્પેચ અને રીસીવિંગ સેન્ટર તૈયાર કરાયા છે. જ્યા ચુનંદા અને તાલીમબદ્ધ કર્મચારી/અધિકારીઓને કામગીરી માટે સજ્જ કરાયા છે. આ વેળાની ચૂંટણીમા આહવા તાલુકામા 146, વઘઈમા 140 અને સુબીર તાલુકામા 94 મળી કુલ 380 મતપેટીનો ઉપયોગ થનાર છે તેમ પ્રાંત અધિકારી અને ચૂંટણી આયોગના અધિકારી કાજલ ગામીતે જણાવ્યું છે.

કાયદો વ્યવસ્થાના નોડલ ઓફિસર જે.આઈ.વસાવા તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર જિલ્લામા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજાની નિગરાનીમા 3 ડીવાયએસપી, 1 પોલીસ ઇન્સ્પેકટર, 17 સબ ઇન્સ્પેકટર સહિત 22 જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને 398 ચૂનંદા પોલીસ જવાનો તથા 386 ગ્રામ/ગૃહ રક્ષક દળના યુવાનો, 56 સીઆરપી જવાનો મળી કુલ 862 પોલીસ કર્મીઓ બંદોબસ્ત માટે ફાળવવામા આવ્યા છે. આમ, ડાંગ જિલ્લામાં નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જડબેસલાક વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...