મેઘમહેર જારી:ડાંગના વઘઇ તાલુકામાં સાડા ચાર ઇંચ વરસાદ, એકનું મોત

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતના ચેરાપૂંજી ગણાતા ડાંગમાં સતત મેઘમહેર જારી, સુબીર, આહવા અને સાપુતારામાં પણ બેથી સવા ત્રણ ઇંચ વરસાદ
  • ધોધમાર વરસાદનાં પગલે નિચાણવાળા કોઝવેને સાંકળતા 19 માર્ગ અવરોધાતા અંદાજીત 33 ગામ અસરગ્રસ્ત થયા

ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ હેલી જામી હતી. ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદનાં પગલે નિચાણવાળા કોઝવેને સાંકળતા 19 માર્ગ અવરોધાતા અંદાજીત 33 ગામ અસરગ્રસ્ત બન્યા હતા. સાપુતારા-વઘઇને જોડતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં જુદા-જુદા ત્રણ સ્થળોએ વૃક્ષો ધરાશયી થયા હતા. વઘઈનાં બોટનિકલ ગાર્ડન પાસે વૃક્ષ ધરાશાયી થઈ ટેમ્પો પર પડતા એકનું દબાઈ જવાથી મોત નિપજ્યું હતું. ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદનાં પગલે જિલ્લાની અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદી ગાંડીતૂર બની વહેતી જોવા મળી રહી છે. સાપુતારા, આહવા, વઘઇ, સુબીર અને પૂર્વપટ્ટી સહિત સરહદીય ગામોમાં તેમજ ઉપરવાસનાં કેચમેન્ટ વિસ્તારોમાં ગતરોજ રાત્રિનાં સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા જાહેર માર્ગો પર પાણીની ભરાવો થયો હતો. ડાંગમાં ચારેય લોકમાતાઓ ગાંડીતૂર બનતા આ નદીઓને જોડતા જિલ્લાનાં 19 લો લેવલ કોઝવે તથા માર્ગો ઓવરટોપિંગ થવાને કારણે આવાગમન માટે બંધ કરાયા છે, જેના કારણે જિલ્લાનાં 33 ગામ અસરગ્રસ્ત થયા છે.

ડાંગ જિલ્લા પંચાયતનાં માર્ગ અને મકાન વિભાગ તરફથી મળેલી વિગતો અનુસાર મંગળવારે સવારે 8 વાગ્યાની સ્થિતિએ જિલ્લાના જે માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે, તેમાં વઘઇ તાલુકાનાં સુપદહાડ-સૂર્યાબરડા રોડ, નાનાપાડા-કુમારબંધ રોડ,સુસરદા વી.એ. રોડ, આહેરડી-બોરદહાડ રોડ, ચીખલદા-ધાગંડી રોડ,ઘોડવહળ વી.એ. રોડ, માનમોડી-નિમબારપાડા રોડ, આંબાપાડા વી.એ. રોડ, ખાતાળ ફાટકથી ઘોડી રોડ, ઢાંઢરા વી.એ. રોડ, કુડકસ-કોસીમપાતળ રોડ, માછળી-ચીખલા-દીવડ્યાવન રોડ, વાંઝટટેમ્બરૂન-કોયલીપાડા રોડ સહિત સુબીર તાલુકાનાં કાકડવિહીર-ખેરીન્દ્રા-ચમારપાડા રોડ અને પીપલદહાડ-જોગથવા રોડ ઉપરાંત આહવા તાલુકાનાં બોરખલ-ગાયખસ-ચવડવેલ રોડ, સતી-વાંગણ-કુત્તરનાચ્યા રોડ, ભવાનદગડ-ધુલચોન્ડ-આમસરવલણ રોડ અને ચીકટીયા-ગાઢવી રોડ સહિત જિલ્લાના કુલ 19 માર્ગનો સમાવેશ થાય છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ માર્ગેથી આવનજાવન કરતા વાહનચાલકો,પશુપાલકો,તથા રાહદારીઓને પ્રશાસને સૂચવેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો અનુરોધ કરાયો છે. વરસાદી માહોલનાં પગલે વઘઇનો ગીરાધોધ અને ગીરમાળનો ગીરાધોધ આકર્ષક મૂડમાં ખીલી ઉઠ્યા છે. ગતરોજ રાત્રિએ ધોધમાર વરસાદનાં પગલે સાપુતારાથી વઘઇને સાંકળતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગ, બાજ નજીકનાં બ્રિજ પાસે તેમજ વઘઇ બોટનિકલ ગાર્ડન નજીક તોતિંગ વૃક્ષો ધરાશાયી થતા આ માર્ગમાં ટ્રાફિક જામની સ્થિતિ વણસી હતી.

આહવાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં આહવા ઘાટમાર્ગમાં ભેખડ ધસી પડતા થોડા સમય માટે માર્ગ અવરોધાયો હતો. જ્યારે પાયરઘોડી ગામે વીજપોલ ધરાશાયી થતા આ પંથકમાં વીજડૂલ થતા અંધારપટ છવાયો હતો. મંગળવારે મળસ્કે વઘઇ તરફથી માલસામાનનો જથ્થો ભરી સાપુતારા તરફ જવા નીકળેલ આઈસર ટેમ્પો (નં. જીજે-30-ટી-1786) પર વઘઇ બોટનિકલ ગાર્ડનનાં ગેટ પાસે વરસાદી માહોલમાં તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા તેમાં સવાર અશરફખાન શબિરખાન પઠાણ (ઉ.વ. 31, રહે. વઘઈ) કેબિનમાં દબાયા હતા. તેને ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...