તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હરિયાળો પ્રયાસ:‘મીયાવાંકી’ પ્લાન્ટેશન પદ્ધતિથી વન વિસ્તાર વધારાશે

આહવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહાલપાડા ગામે લાભાર્થી ખેડૂતના ખેતરમાં બાળવૃક્ષ પ્લાન્ટેશનનો પ્રારંભ

વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરીને પર્યાવરણનું જતન, સંવર્ધન કરવાની દિશામાં નવી જાપાનીઝ પદ્ધતિ એવી “મીયાવાંકી’ પ્લાન્ટેશન અપનાવીને વન વિસ્તારની ગીચતા વધારવાના પ્રયાસરૂપે શુક્રવારે આહવા તાલુકાના મહાલપાડા ગામે લાભાર્થી ખેડૂતના ખેતરમાં પ્રાયોગિક ધોરણે વાવેતર કરવામાં આવી રહ્યું છે તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેન-વ-જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયાએ જણાવ્યું હતું.

ઘનિષ્ઠ વન વાવેતર માટે જાપાનમાં ખુબ જ કામયાબ રહેલી પદ્ધતિ અનુસાર લાભાર્થી ખેડૂતની જમીનમાં તેની સંમતિથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મનરેગા કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ કરીને, ત્રણ વર્ષ સુધી તેની માવજત કરી મનરેગા અંતર્ગત રોજગારી પૂરી પાડવા સાથે, વન ઉછેરની પ્રવૃત્તિ ડાંગ જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે તેવો સરકારનો આશય છે તેમ જણાવી વઢવાણીયાએ ડાંગ જિલ્લાના આહવા તાલુકા ઉપરાંત વઘઈ અને સુબીરમાં પણ લાભાર્થી પસંદ કરીને વૃક્ષ વાવેતર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

છોડની વૃદ્ધિ સામાન્ય કરતા 10 ગણી વધુ ઝડપે થાય છે
મહાલપાડાના ખેડૂત ભાવુભાઈ સોમાભાઈ સાહરેના ખેતરમાં અંદાજીત 400 ચો.મી.માં એક હજાર વૃક્ષો વાવીને ગીચ વન ઉભુ કરવાના આ કાર્યમાં વન વિભાગની નર્સરીમાંથી વિનામૂલ્યે લાભાર્થીને રોપા પુરા પાડવામાં આવ્યા છે. જયારે જમીન તૈયાર કરવાથી લઈને વૃક્ષ વાવેતર સુધીના કાર્યમાં અંદાજીત 400 માનવદિન રોજગારી ઉત્પન્ન કરવામાં આવી છે તેમ જણાવતા નિયામક આર.બી.ચૌધરીએ ત્રણ વર્ષના આખા પ્રોજેક્ટ પાછળ અંદાજીત ત્રણેક લાખનો ખર્ચ સરકાર ભોગવે છે તેમ જણાવ્યું હતું. આ ખર્ચ પૈકી 90 ટકા રકમ મનરેગાના રોજમદારોને મળે છે, જયારે વનની ઉપજ લાભાર્થીને મળે છે તેમ પુરક વિગતો આપતા તેમને ઉમેર્યું હતું. સામાન્ય વાવેતર કરતા “મીયાવાંકી” પદ્ધતિમાં વનોની ગીચતા 30 ગણી વધારે રહે છે, તો છોડની વૃદ્ધિ સામાન્ય કરતા 10 ગણી વધુ ઝડપે થાય છે.

નવી એજન્સીઓ આગળ આવે તેવી આશા સેવાઇ રહી છે
જેથી ટૂંક સમયમાં જ ઘનિષ્ઠ વન ઉભું કરી શકાય છે, તેમ જણાવતા મદદનીશ પ્રાયોજના અધિકારી એસ.આર.પટેલે “મીયાવાંકી’ પ્લાન્ટેશન પદ્ધતિ ડાંગના વાતાવરણમાં ખુબ જ સફળ થશે તેમ જણાવ્યું હતું. વરસાદી માહોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આહવા તાલુકાના આયોજન-સહ-તાલુકા વિકાસ અધિકારી એસ.બી.તબીયાર, મનરેગાના પ્રફુલભાઈ પટેલ, વર્કસ મેનેજર એસ.આર.પટેલ, આસિસ્ટંટ વર્કસ મેનેજર જતીન પટેલ, મહાલપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ, ગ્રામ અગ્રણી સહિત તાલુકા/જિલ્લાના અધિકારી-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વિવિધ સંસ્થા સાથે જોડાયેલા હોદ્દેદારો અને કર્મચારીઓએ સરકારની આ પહેલને વધાવી લીધી હતી. આગામી દિવસોમાં આવી નવી એજન્સીઓ આગળ આવે તેવી આશા સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...